નકલી વિઝા પર લક્ઝમબર્ગ જતા ગુજરાતના 7યાત્રી દુબઈથી ડિપોર્ટ
મુંબઈ એરપોર્ટ પર ઉતરતાં વેત જ ધરપકડ કરાઈ
કિશન નામના એજન્ટે નકલી શેંગેન વિઝા બનાવી લક્ઝમબર્ગ પહોંચ્યા પછી નોકરી મળી જશે તેવા આંબાઆંબલી બતાવ્યાં હતા
મુંબઈ - નકલી શેંગેન વિઝાની મદદથી દુબઈ થઈ લક્ઝમબર્ગ જઈ રહેલા ગુજરાતના સાત પ્રવાસીઓને દુબઈ એરપોર્ટ પર ઈમીગ્રેશન દ્વારા અટકાયત બાદ ડિપોર્ટ કરી દેવાયા હતા. મુંબઈ આવી પહોંચેલા આ પ્રવાસીઓની મુંબઈ એરપોર્ટથી જ ધરપકડ કરવામાં આવી હતી. ટૂરિસ્ટ તરીકે લક્ઝમબર્ગમાં પ્રવેશી બાદમાં રોજગારી મેળવવાના ઈરાદાથી આ યાત્રીઓ નીકળ્યા હતા.
સહાર પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના કિશન નામના એજન્ટે આ સમગ્ર કારસો ઘડયો હતો. આ લોકોને ટુરિસ્ટ વિઝા અને નકલી શેંગેન વિઝા બનાવી આપવામાં આવ્યા હતા તેમ જ એજન્ટે તેમને યુરોપિયન દેશોમાં મુસાફરી કરવા અને સ્થાયી થવા માટે વિગતો પૂરી પાડી હતી તેવું આ લોકોએ પોલીસને જણાવ્યું હતું. સહાર પોલીસ હવે આ લોકોને નકલી વિઝા બનાવી આપનાર એજન્ટ કિશનને શોધી રહી છે.
ગત શુક્રવારે રાતે ઈમીંગ્રેશન અધિકારી વિષ્ણુ સાવંત મુંબઈ એરપોર્ટ પર પ્રવાસીઓના એરાઈવલ (આગમન) નું નિરીક્ષણ કરી રહ્યા હતા. આ સમયે તેમને જાણવા મળ્યું હતું કે દુબઈ ઈમિગ્રેશન દ્વારા વિઝા ફલેગ કર્યા વિના સાત વ્યક્તિઓને દુબઈથી ડિપોર્ટ (દેશનિકાલ) કરવામાં આવ્યા છે. આ પ્રવાસીઓને તરત જ અટકમાં લઈ ત્યારબાદ આ ઈન્ચાર્જ સૂરજ યાદવ અને મોનિલ કૌશિકને સોંપવામાં આવ્યા હતા.
આ લોકોની વધુ પૂછપરછ અને તપાસમાં ઈમિગ્રેશન અધિકારીઓને જાણવા મળ્યું હતું કે તેમના લકઝમબર્ગ માટેના શેંગેન એમ્પ્લોયમેન્ટવિઝા નકલી હતા. એજન્ટે તેમને એમ કહીને ભરમાવ્યા હતા કે આ વિઝાના આધારે તેઓ લક્ઝમબર્ગમાં પ્રવેશી ગયા બાદ આ શેંગેન વિઝા માન્ય હોય તેવા ૨૯ દેશોમાંથી કોઈપણ દેશમાં જઈ આવી શકશે અને ત્યાં નોકરકી રોજગાર શોધી શકશે.
પોલીસે એરલાઈન્સ લાયસન્સિંગ એજન્સીને ઈ-મેલ કર્યા પછી પુષ્ટિ થઈ હતી કે આ સાતેય વ્યક્તિઓને લકઝમબર્ગ સત્તાવાળાઓ દ્વારા વિઝા આપવામાં આવ્યા નથી. પોલીસે આ તમામની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર, મહેસાણા, અમદાવાદના યાત્રીઓ ઝડપાયા
કિશન નામના એજન્ટે નકલી શેંગેન વિઝા બનાવી લક્ઝમબર્ગ પહોંચ્યા પછી નોકરી મળી જશે તેવા આંબાઆંબલી બતાવ્યાં હતા
સહાર પોલીસે ધરપકડ કરાયેલા સાત વ્યક્તિઓમાં કૌશિકકુમાર ગોર્ધનભાઈ પટેલ (ઉ.વ.૫૦) (૫૬૫/૨, સેક્ટર ૬ બી, ગાંધીનગર), અર્થકુમાર વિરેન્દ્રકુમાર પટેલ (ઉ.વ.૨૫) (૨૨૯૬, ગણપતિનગર, કુકરવાડા, તાલ ુકા વિજાપુર, મહેસાણા), મહર્ષિ કલ્પેશકુમાર પટેલ (ઉ.વ.૨૧) (પંડત્વાવાસ, કુકરવાડા, તાલુકા વિજાપુર, મહેસાણા), પૃથ્વીરાજગીરી ગજેન્દ્રગીરી ગોસ્વામી (ઉ.વ.૨૩) (જોશી વાસ, કુકરવાડા, તાલુકા વિજાપુર, મહેસાણા), ભાર્ગવ દિલીપકુમાર જોશી (ઉ.વ.૩૩) (૧૦૩૩, જોશીવાસ, કુકરવાડા, વિજાપુર, મહેસાણા), કુણાલકુમાર દશરથભાઈ પ્રજાપતિ (ઉ.વ.૨૫) (૨૦, સુખસાગર સોસાયટી, મોટેરા, અમદાવાદ), મોહમ્મદ જૈદ હુસૈનખાન પઠાણ (ઉ.વ.૨૬) ૧૧૪, બસ સ્ટેશન રોડ, ગરીબ નવાઝ સોસાયટી, વિજાપુર, મહેસાણા)નો સમાવેશ થાય છે.