રેગિંગના નામે જંગલમાં લઈ જઈ ડ્રગ આપી અકુદરતી કૃત્ય
ધો. ૧૦ના વિદ્યાર્થીઓ દ્વારા ધો.૫-૭માં ભણતા કિશોરોનું શોષણઃ સાત સગીર
સહિત સુપ્રિ. સામે પણ ગુનો દાખલ
મુંબઈ
- નાસિક જિલ્લાના ઇગતપુરી
તાલુકાના એક સમાજ કલ્યાણ વિભાગની હોસ્ટેલમાં દસમાં ધોરણના અમુક વિદ્યાર્થીઓએ ૫ અને
૭માં ધોરણમાં અભ્યાસ કરતા નાના વિદ્યાર્થીઓને ઘેનયુક્ત વસ્તુઓ આપી તેમનું રેગિંગના
નામે જાતીય શોષણ કર્યું હતું. આ ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો હતો. ઇગતપુરી
પોલીસે આ પ્રકરણે સાત સગીર સહિત હોસ્ટેલના સુપ્રિન્ટેન્ડન્ટ સામે ગુનો નોંધી વધુ
તપાસ હાથ ધરી છે.
આ બાબતે પ્રાપ્ત વધુ વિગતાનુસાર
ઇગતપુરી તાલુકાના સમાજકલ્યાણ વિભાગ દ્વારા એક હોસ્ટેલ ચલાવવામાં આવે છે. આ હોસ્ટેલમાં આસપાસના નાના ગામો અને આદિવાસી
વિસ્તારના અનેક વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. આ
હોસ્ટેલમાં રહેતા અને દસમા ધોરણમાં ભણતા અમુક વિદ્યાર્થીઓ પાંચમા અને
સાતમાં ધોરણના નાના વિદ્યાર્થીઓને રેંગિંગના નામે ધમકાવી ૫૦૦ મીટર દૂર જંગલમાં લઈ
જતા હતા અને નાના વિદ્યાર્થીઓને ઘેનયુક્ત વસ્તુઓ આપી અકુદરતી અત્યાચાર ગુજારતા
હતા. આ ઘટના બાદ ગભરાયેલા ઘણા વિદ્યાર્થીઓએ આ વાતની જાણ જવાબદાર વ્યક્તિઓને કરવાનો
પ્રયત્ન કર્યો હતો, પણ તેમના પર દબાણ લાવી તેમને ચૂપ કરી દેવામાં આવતા હતા
તેવી વાત પણ સામે આવી છે.
દરમિયાન હોસ્ટેલમાં તાજેતરમાં જ
નિયુક્ત થયેલા નવા સુપ્રિન્ટેન્ડન્ટ સુશાંત દુખસાખરેને આ બાબતની ફરિયાદ મળ્યા બાદ
તેમણે તાત્કાલિક વિદ્યાર્થીઓના વાલીઓને આ બાબતે જાણ કરી હતી. આ વાતની જાણ થતા જ
વિદ્યાર્થીઓના વાલીઓ હોસ્ટેલમાં દોડી આવ્યા હતા અને પીડિત બાળકોના વાલીઓ ત્યારબાદ
ઇગતપુરી પોલીસ મથકમાં ફરિયાદ સાથે પહોંચી ગયા હતા. આ ઘટના બાદ પોલીસે ફરિયાદના
આધારે સાત સગીર તેમ જ હોસ્ટેલના
સુપ્રિન્ટેન્ડન્ટ સામે ગુનો નોંધ્યો હતો.
આ ઘટનાનો લીધે ખળભળાટ મચી જતા
નાસિક ગ્રામિણ પોલીસ તેમ જ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી અને મહત્ત્વના
નમૂના અને પુરાવાઓ ભેગા કર્યા હતા. પોલીસે આ વાતની પણ તપાસ શરૃ કરી છે કે આ
ઘટનામાં સંસ્થાના અગ્રણીઓ કે અન્ય પદાધિકારીઓની કોઈ ભૂમિકા કે સંડોવણી છે કે નહીં.
આ ઘટનાને લીધે ગ્રામિણ/આદિવાસી
વિસ્તારોના હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષામાં ચૂક થતી હોવાનું સામ ેઆવ્યું
છે. આ સમગ્ર પ્રકરણે ઇગતપુરી પોલીસે ઊંડી તપાસ ચલાવી રહી છે.


