Get The App

ન્યૂડ ફોટા મોકલ તો સારા માર્ક્સ મળશેઃ લંપટ પ્રોફેસરની બેહુદી માગણી

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
ન્યૂડ ફોટા મોકલ તો સારા માર્ક્સ મળશેઃ લંપટ પ્રોફેસરની બેહુદી માગણી 1 - image

મીરા રોડની તરુણીને પોતાનો બીજો નંબર આપ્યો

પ્રોફેસર ધવલ  મહેતાની ધરપકડઃ અન્ય વિદ્યાર્થિનીઓને ભોગ બનાવી છે કે કેમ તેની તપાસ

મુંબઈ -  મીરા રોડમાં પરીક્ષામાં સારા માર્ક્સ આપવાનું આશ્વાસન આપીને એક વિદ્યાર્થિની પાસેથી પ્રોફેસર અશ્લીલ ફોટા માંગતો હોવાનો કિસ્સો એક  પ્રકાશમાં આવ્યો છે. કાશીમીરા પોલીસે આ કેસમાં જુનિયર કોલેજના પ્રોફેસરની ધરપકડ કરી છે.

 પીડિતા યુવતી ૧૬ વર્ષની છે અને એક પ્રતિતિ કોલેજમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરે છે. ગત પચ્ચીસમી નવેમ્બરના રોજ, તેના વર્ગ શિક્ષક ધવલ મહેતાએ ફરિયાદ કરી હતી કે તે અભ્યાસમાં પ્રગતિ કરી રહી નથી અને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી રહી નથી. તેણે પીડિતાને પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે મોબાઇલ નંબર આપ્યો હતો. તેણે કહ્યું હતું કે જો તમે આ નંબર પર સંપર્ક કરો તો તમારી સમસ્યાનું નિરાકરણ આવશે. તે મુજબ, પીડિતાએ વિવેક નામના વ્યક્તિને મેસેજ મોકલ્યો હતો. આ વ્યક્તિએ કહ્યું કે તેને પરીક્ષામાં સારા માર્ક્સ મળશે. જો કે, આ માટે તેણે તેની પાસેથી ખાનગી ફોટા માંગ્યા હતા. આ કારણે, છોકરી ખૂબ જ માનસિક તાણ હેઠળ  આવી ગઈ હતી. તે પછી, તે વ્યક્તિએ ફરીથી તેનો સંપર્ક કર્યો અને અશ્લીલ ફોટા માંગવાનું શરૃ કર્યું હતું.

આખરે,  તરુણીએ કાશીમીરા પોલીસ સ્ટેશનમાં આ કેસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે, કાશીમીરા પોલીસે વર્ગ શિક્ષક ધવલ મહેતા વિરુદ્ધ જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (પોસ્કો) અધિનિયમની કલમ ૮, ૧૨ અને માહિતી ટેકનોલોજી અધિનિયમની કલમ ૬૬ (ડ) હેઠળ કેસ નોંધ્યો છે.

કાશીમીરા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબલેએ માહિતી આપી હતી કે, અમે આરોપી શિક્ષક ધવલ મહેતાની ધરપકડ કરી છે. તેણે બીજા નંબર પરથી  વિદ્યાર્થિની પાસેથી અશ્લીલ ફોટા માંગ્યા હતા. અમે તપાસ કરી રહ્યા છીએ કે તેણે અન્ય કોઈ વિદ્યાર્થિનીઓ  સાથે આવું કર્યું છે કે નહીં.