જોખમની સમીક્ષા બાદ મુંબઈ પોલીસનો નિર્ણય
ગોવિંદા, આયુષ શર્મા, સાજિદ નડિયાદવાલાની સુરક્ષા યથાવત
મુંબઈ - મુંબઈ પોલીસે જોખમોની સમીક્ષા બાદ બોલિવુડના દિગ્દર્શક હંસલ મહેતા અને અભિનેતા સલમાન ખાનના મેનેજર પ્રશાંત ગુંજલકરને આપવામાં આવેલી પોલીસ સુરક્ષા હવે પાછી ખેંચી લીધી છે.
પોલીસના જણાવ્યા મુજબ, ૨૦૨૧માં હંસલ મહેતા દિગ્દર્શિત વેબસિરીઝ સ્કેમ ૧૯૯૨ ની મોટી સફળતા બાદ હંસલ મહેતા અને તેમના પરિવારને રોહિત તરીકે ઓળખાવતા એક ફોન કરનાર તરફથી વારંવાર ધમકીભર્યા ફોન આવવા લાગ્યા હતા.
તેથી આ મામલે હંસલ મહેતાએ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. નોંધનીય છે કે આ પહેલા ૨૦૦૯માં એક ફિલ્મમાં સંવાદને લઈને થયેલા વિવાદ દરમિયાન પણ હંસલ મહેતાને અનેક ધમકીઓ મળી હતી.
દરમિયાન સલમાન ખાનના મેનેજર પ્રશાંત ગુંજલકરને ૨૦૨૩માં પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. માર્ચ ૨૦૨૩માં તેમને મોહિત ગર્ગ નામના આઈડી પરથી એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો.
ગોલ્ડી બ્રારને ટાંકીને આ ઈમેલમાં સલમાન ખાન સાથે મુલાકાતની માંગ કરવામાં આવી હતી અને જો મામલો ઉકેલવામાં નહીં આવે તો ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈમેલ બાદ ગુંજલકરે પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તેમને સુરક્ષા આપવામાં આવી હતી.
વધુમાં પોલીસના જણાવ્યા મુજબ, હાલ કેટલીક અન્ય સેલિબ્રિટીઓ માટે પોલીસ સુરક્ષા આપવામાં આવી રહી છે. આમાં નિર્માતા સાજિદ નડિયાદવાલા, અભિનેતા આયુષ શર્મા, સ્ટેન્ડ અપ કોમેડિયન મુનાવર ફારુકી, અભિનેતા ગોવિંદા અને ગાયક એપી ધિલ્લોનનો સમાવેશ થાય છે. પોલીસનું કહેવું છે કે ધમકીનાં મૂલ્યાંકનના આધારે સમયાંતરે સુરક્ષાની સમીક્ષા કરવામાં આવે છે અને તે મુજબ, આગળના નિર્ણયો લેવામાં આવે છે.


