Get The App

26/11 ના હુમલાના 17 વર્ષ બાદ પણ સીએસટી સ્ટેશને સુરક્ષા નબળી

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
26/11 ના હુમલાના 17 વર્ષ બાદ પણ સીએસટી સ્ટેશને સુરક્ષા નબળી 1 - image

સ્ટેશને હાલમાં એક પણ બોડી સ્કેનર નથી 

પખવાડિયામાં નવા હાઇ-ટેક બેગ સ્કેનરો બેસાડવાની યોજના પણ બોડી સ્કેનરનો કોઇ ઉલ્લેખ નહીં

મુંબઈ -  સત્તર વર્ષ પહેલાં ૨૬ નવેમ્બર ૨૦૦૮ના રોજ સીએસટી સહિત મુંબઇમાં અન્ય ઠેકાણે આતંકવાદી હુમલા થયા હતા. આટલા વર્ષો બાદ પણ સીએસટી સ્ટેશને લોકલ અને લાંબા અંતરની ટ્રેનોમાં સુરક્ષા વ્યવસ્થા નબળી જ જણાય છે. સીએસટી સ્ટેશને એક પણ બોડી સ્કેનર નથી અને બેગ તપાસવા માટે એક માત્ર સ્કેનર છે. સુરક્ષા વ્યવસ્થમાં કચાશ આશ્ચર્ય પમાડે છે.  

સીએસટી સ્ટેશનેથી રોજ આઠ લાખ લોકો પ્રવાસ કરે છે. સ્ટેશને સતત આરપીએફ અને જીઆરપી તહેનાત રહે છે તેમ છતાં પ્રવાસીઓની બેગ કે વ્યક્તિગત તપાસણી માટે કોઇપણ મજબૂત સિસ્ટમ કાર્યરત નથી. પ્રવાસીઓ કહે છે કે તાજેતરમાં દિલ્હીમાં થયેલા ધડાકા બાદ માત્ર બે દિવસ સ્ટેશને સુરક્ષા વ્યવસ્થા કડક રખાઇ હતી. ત્યારબાદ ફરીથી બેદરકારી જ દેખાઇ રહી છે. છેલ્લા કેટલાંક દિવસથી મુંબઇ સેન્ટ્ર્લ રેલવે સ્ટેશન પરની બેગ સ્કેનર મશીન બંધ પડી છે. પ્રશાસન પ્રવાસીઓની સુરક્ષાને લઇને કેટલું જાગરૃક છે તે છતું થાય છે. 

સેન્ટ્ર્લ રેલવેએ સીએસટી સહિત મહત્વના સ્ટેશનો પર નવા હાઇ-ટેક બેગ સ્કેનર બેસાડવાનો નિર્ણય લીધો છે. હાલમાં સીએસટી સ્ટેશને એક જ સ્કેનર કાર્યરત છે. આગામી પખવાડિયામાં બે નવી મશીનો બેસાડવામાં આવશે. જેમનો મુખ્ય ઉપયોગ લાંબા અંતરની ટ્રેનો માટે થશે અને પ્લેટફોર્મ નંબર આઠથી ૧૮ દરમિયાન બેસાડવામાં આવશે. દાદર, કલ્યાણ, એલટીટી, પનવેલ અને થાણે સ્ટેશને આવા એડવાન્સ સ્કેનરો બેસાડવાની તૈયારી શરૃ છે. સ્કેનરો ૩૨ પ્રકારની જોખમકારક વસ્તુઓ ઓળખવામાં સક્ષમ હશે. જોકે બોડી સ્કેનરો બેસાડવા અંગે હજી સુધી કોઇ માહિતી અપાઇ નથી.