અંધેરી મેટ્રો સ્ટેશન પર શંકાસ્પદ બેગ મળી આવતાં સુરક્ષા તંત્ર સતર્ક

ગુંદવલી સ્ટેશનમાં ટિકિટ કાઉન્ટર પાસે બેગ મળી
બોમ્બ સ્કવોડે સઘન તપાસ કરતા તેમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી
મુંબઈ - દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ બાદ હાલ આ કેસની તપાસ ચાલુ છે. ત્યારે અંધેરીના ગુંદાવલી મેટ્રો સ્ટેશન પર પહેલા માળે એક ત્યજી દેવાયેલી કાળા રંગની શંકાસ્પદ બેગ મળી આવી હતી. આ શંકાસ્પદ બેગથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. આ બાદ બોમ્બ સ્કવોડ અને પોલીસ વિભાગે સઘન તપાસ કરતા તેમાંથી કોઈપણ શંકાસ્પદ વસ્તુઓ મળી ન હતી.
વિગત મુજબ, અંધેરીના ગુંદાવલી મેટ્રો સ્ટેશનના પહેલા માળે એક ટિકિટ કાઉન્ટ સ્થિત છે. આ ટિકિટ કાઉન્ટર પાસે આ શંકાસ્પદ કાળા રંગની બેગ મળી આવી હતી. આ બેગમાં બોમ્બ છે કે કેમ તે અંગે ભીતી વધતાં પોલીસે તાત્કાલિક તપાસ શરુ કરી હતી.
આ બાદ બચાવ કામગીરી કરતા તાત્કાલિક લોકોને મેટ્રો સ્ટેશનથી બહાર કાઢવામાં આવ્યા હતા અને બોમ્બ સ્કવોડને સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતાં જ બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
જો કે, સઘન તપાસ બાદ બોમ્બ સ્કવોડને કાળા રંગની બેગમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નહતી. આથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
નોંધનીય છે કે, શુક્રવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનની બહાર પણ એક શંકાસ્પદ લાલ રંગની બેગ મળી આવી હતી. જેથી આખા વિસ્તારમાં ગભરાટ ફેલાય ગયો હતો. જો કે, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે સઘન તપાસ દરમિયાન બેગમાંથી કેટલાક દસ્તાવેજો, પુસ્તકો અને કપડાં મળી આવ્યા હતા. બેગમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી.

