આજથી સ્કૂલ બસ ઓનર્સ એસોસિએશનની બેમુદ્દત હડતાળ
આજે બાળકોને શાળાએ પહોંચવામાં તકલીફ થઈ શકે
વિદ્યાર્થીઓના પરિવહન દરમ્યાન ખોટી રીતે ચલાન સહિત પજવણી થતી હોવાનો દાવો
મુંબઈ - મહારાષ્ટ્ર સ્કૂલ બસ ઓનર્સ એસોસિએશને બીજી જુલાઈથી બેમુદ્દત હડતાળની ઘોષણા કરી છે. નવા શૈક્ષણિક સત્રની શરુઆતમાં બસચાલકો દ્વારા લેવાયેલાં આ નિર્ણયથી વાલીઓ, વિદ્યાર્થીઓને બુધવારથી શાળાએ પહોંચવામાં મુશ્કેલી થવાની સંભાવના છે.
મહારાષ્ટ્ર સરકાર અને પરિવહન વિભાગ સ્કૂલ પરિવહન સાથે સંબંધિત સમસ્યાઓ સામે આંખ આડા કાન કરતાં હોવાથી ઉક્ત એસોસિએશને હડતાળનો નિર્ણય લીધો છે. અમારો હેતુ સ્કૂલ બસ સર્વિસ બંધ કરવાનો નથી, પરંતુ સ્કૂલ બસ વ્યવસાયમાં ઉદ્દભવતી સમસ્યાઓને કારણે આ નિર્ણય લેવો પડી રહ્યો છે, એવું સ્કૂલ બસ ઓનર્સ એસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું હતું.
બસચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા અયોગ્ય કાર્યવાહી, સીસીટીવી, વેબરીડર અને જીપીએસ જેવી સુવિધાઓ માટે ઈ-ચલાનના માધ્યમે દંડાત્મક કાર્યવાહી અને આવશ્યક પરમિટ પ્રાપ્ત કરવામાં ઉદ્દભવતી સમસ્યાઓ એ તેમના મુખ્ય મુદ્દા છે. તેમની સામે ખોટી રીતે કરવામાં આવતી ઈ-ચલાનો રદ્દ કરવામાં આવે. તેમજ સ્કૂલની નજીકના બસ સ્ટોપ પર બસ ઊભી રહે તો પણ દંડ કરાય છે, તે બંધ કરવામાં આવે એવી તેમની માગણી છે.
આ સંદર્ભે સંગઠનના અધ્યક્ષે જણાવ્યું હતું કે, આ બધી કાર્યવાહીઓ આર્થિક સ્વરુપે અસહનીય થઈ રહી છે. અમને અમારી ફરજનું પાલન કરવા માટે દંડિત કરવામાં આવે છે અને આ દંડનો વધતો બોજ અમારા અસ્તિત્વ સામે જોખમી બન્યો છે. અમને આશા છે કે મુખ્યમંત્રી અને પરિવહન મંત્રી મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓના પરિવહનમાં આવતી સમસ્યાઓને રોકવા માટે તુરંત હસ્તક્ષેપ કરશે.