કુર્લાના ગુજરાતી વેપારી પરિવારના પુત્ર પર અમાનુષી અત્યાચાર
બાળ દિનની ઉજવણી વખતે જ બેરહેમીથી ફટકાર્યોઃ શાળામાં જઈ સીસીટીવી ફૂટેજ જોયા બાદ પરિવાર દ્વાર પોલીસ ફરિયાદ
મુંબઈ - વસઈમાં એક શિક્ષક દ્વારા સજાને કારણે ૧૩ વર્ષની છોકરીના મૃત્યુનો મામલો તાજો છે, ત્યારે સાંતાક્રુઝમાં શાળાના આચાર્યએ ધો. ૧૦માં ભણતા ૧૫ વર્ષના વિદ્યાર્થીને બેરહેમીથી માર મારતાં તેના માતાપિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. માતાપિતાએ મારપીટના સીસીટીવી ફૂટેજ જોયા બાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. વાકોલા પોલીસે આચાર્ય સામે કેસ દાખલ કર્યો છે.
કુર્લામાં રહેતા અને કાપડનો વ્યવસાય કરતા વેપારી પરિવારનો પુત્ર સાંતાક્ઝના કાલિના વિસ્તારમાં આવેલી એક બોડગ સ્કૂલમાં ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે. ૧૩ નવેમ્બરના રોજ બાળ દિવસ નિમિત્તે શાળામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી આ કાર્યક્રમમાં ગયો હતો. ત્યારે પ્રિન્સિપાલે તેને જોયો હતો. તુું ગેરશિસ્ત આચરે છે એમ કહીને તેણે તેને બેસાડીને તેના માતા-પિતાને બોલાવવા કહ્યું હતું. જો કે, વિદ્યાર્થીએ જવાબ આપ્યો હતો કે તેના માતા-પિતા કુર્લામાં રહે છે અને તત્કાળ આવી શકે તેમ નથી.
ત્યાર બાદ, પ્રિન્સિપાલ વિદ્યાર્થીને તેમના કેબિનમાં લઈ ગયા હતા અને ત્યાં, 'તું પોતાને શું સમજે' કહીને, તેણે તેના ગાલ પર ૨૦ થી ૨૫ વાર થપ્પડ મારી અને પેટમાં પણ મુક્કો માર્યો હતો. વિદ્યાર્થીએ ૈંઘરેે પહોંચી પોતાના પિતાને આ વાત જણાવી હતી. મારપીટના કારણે દર્દ થતાં વિદ્યાર્થીએ કુર્લાની ભાભા હોસ્પિટલમાં પહોંચી સારવાર પણ મેળવી હતી.
સોમવારે, વિદ્યાર્થીની માતા અને બે પિતરાઈ ભાઈઓ આ કેસમાં પ્રિન્સિપાલને મળવા ગયા હતા. આચાર્યએ એવી શેખીપણ કરી હતી કે હું વકીલ છું તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો. હું જાતે કેસ લડીશ. જોકે, બાદમાં તેમણે માફી માંગી અને પોલીસમાં ફરિયાદ ન નોંધાવવા કહ્યું હતું. જો કે, જ્યારે છોકરાના ભાઈએ સીસીટીવી માંગ્યું અને તપાસ્યું, ત્યારે આચાર્ય બહુ બેરહેમથી માર મારતા હોવાનું જણાયું હતું. આથી તેમણે આ મામલે વાકોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શાળાના આચાર્ય વિરુદ્ધ કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સુરક્ષા) અધિનિયમની કલમ ૭૫ અને ૮૫ અને ભારતીય દંડ સંહિતાની કલમ ૧૧૫ (૨) અને ૩૫૧ (૨) હેઠળ કેસ નોંધ્યો છે.


