Mumbai

શ્રીકાંત શિંદે દ્વારા 800 કરોડના એમ્બ્યુલન્સ કૌભાંડનો સંજય રાઉતનો આરોપ

By GS TEAM
26 Jul 20252 mins read
શ્રીકાંત શિંદે દ્વારા 800 કરોડના એમ્બ્યુલન્સ કૌભાંડનો સંજય રાઉતનો આરોપ

એમ્બ્યુલન્સ ખરીદીનું ટેન્ડર 100 કરોડથી વધારી 800 કરોડ કરાયું

શ્રીકાંત શિંદેના ટ્રસ્ટને નાણાં મળ્યાં ઃ ટ્રસ્ટીની ઝારખંડના દારુ કૌભાંડમાં ધરપકડનો આક્ષેપઃ શિંદે સેનાએ આરોપો ફગાવ્યા 

મુંબઈ -  મહારાષ્ટ્રમાં ૧૦૮ એમ્બ્યુલન્સની ખરીદીમાં ૮૦૦ કરોડનું કૌભાંડ થયું છે અને તેના નાણાં નાયબ મુખ્યમંત્રીના  પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદેના ટ્રસ્ટમાં  વાળવામાં આવ્યા છે તેવો આરોપ શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે કર્યો છે.  જોકે, શિંદે શિવસેનાએ આ આરોપો નકારી  કાઢ્યા છે. 

રાઉતના આરોપ મુજબ રાજ્ય સરકાર દ્વારા એમ્બ્યુલન્સ ખરીદી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. તેનો કોન્ટ્રાક્ટ શ્રીકાંત શિંદેના નજીકના સાથી દ્વારા સંચાલિત કંપની સુમિત ફેસિલિટીઝ લિમિટેડને આપવામાં આવ્યો હતો.   આ કોન્ટ્રાક્ટ ૧૦૦ કરોડ રુપિયાનો હતો પરંતુ તે રકમ વધારી રૃ. ૮૦૦ કરોડ કરી દેવામાં આવી હતી, એમ રાઉતે દાવો કર્યો હતો.

રાઉતના આક્ષેપ  મુજબ સુમિલ ફેસિલિટીઝના અમિક સાલુકે શ્રીકાંત શિંદે ફાઉન્ડેશન (ટ્રસ્ટ)ના નાણાકીય આધારસ્તંભ છે. આ કૌભાંડના પૈસા ફાઉન્ડેશનમાં વાળવામાં આવ્યા છે. એન્ટિ કરપ્શન બ્યુરોની ઝારખંડની એક ટીમ મહારાષ્ટ્રમાં આવીને ગુરુવારે  ત્યાંના દારુ કૌભાંડમાં અમિત સાંલુકેની ધરપકડ કરી હતી. આ એકનાથ શિંદે અને શ્રીકાંત શિંદેની ખૂબ જ જ નજીકનો સાથી હોવાનું રાઉતે જણાવ્યું હતું. આ કૌભાંડ અંગે  સીબીઆઈ તપાસ કરી તેવી મારી માગણી છે. 

જોકે રાજ્યના ઉદ્યોગમંત્રી અને શિંદે શિવસેનાના નેતા ઉદય સામંતે રાઉત  દ્વારા મૂકવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા.

જોકે, ઉદય સામંતે આ આરોપોના પ્રતિકારમાં કોઈ મુદ્દા રજૂ કરવાને બદલે શ્રીકાંત શિંદેએ ઓપરેશન સિંદૂર મુદ્દે વિદેશ ગયેલા  ભારતીય પ્રતિનિધિમંડળમાં શ્રીકાંત શિંદેએ કરેલી કામગીરીની  વિગતો ટાંકી  હતી.