પુણેના ફાર્મહાઉસમાં ચોરી બાદ સંગીતા બિજલાણીએ ગન લાયસન્સની માંગ કરી

હું મારા ઘરમાં અસુરક્ષિત હોઉં તેવો ભય સતાવે છે
ચોરી કરી, રાચરચીલું તોડી નાંખ્યું અને લખાણથી ઘરની દિવાલો ચિતરી નાખી હતી
સંગીતાએ જણાવ્યું હતું કે હું છેલ્લાંવીસ વર્ષથી ત્યાં રહું છું. પાવના મારું ઘર છે અને મારા ફાર્મ હાઉસમાં થયેલી ચોરીની ભયાનક ઘટનાને સાડા ત્રણ મહિના થઈ ગયા છે. પરંતુ કેસની તપાસમાં હજુ સુધી કોઈ સફળતા મળી નથી. તેણે કહ્યું હતું કે પુણેના જિલ્લા પોલીસ વડા એસ.પી. ગિલે તેને ખાતરી આપી છે કે પોલીસ કેસના મૂળ સુધી જશે અને ગુનેગારોને પકડી પાડશે. ચોરી અને ઘરફોડી થઈ ત્યારે તે ડરામણું હતું.
સદનસીબે આ ઘટના બની ત્યારે હું ત્યાં હાજર નહોતી. ચોરોએ ઘરમાં ચોરી કરી, રાચરચીલું તોડી નાંખ્યું હતું અને આટલેથી ન અટકતા અશ્લીલ લખાણથી ફાર્મહાઉસની દિવાલ પણ ચિતરી મૂકી હતી. બિજલાણીએ જણાવ્યું હતું કે આ ઘટનાએ ફક્ત તેને જ નહીં પરંતુ અહીં રહેતા સિનિયર સિટીઝનો સહિત આ વિસ્તારના વિશાળ સમુદાયને પણ હચમચાવી નાંખ્યો હતો.
બિજલાણીએ દાવો કર્યો હતો કે પાવનામાં ઘણા રહેવાસીઓ છે જેમાં વરિષ્ઠ નાગરિકો અને તેમના પરિવારજનોનો પણ સમાવેશ થાય છે. આ લોકોની સલામતી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તાજેતરમાં બનેલી આ ઘટનાઓને કારણે પાવના વિસ્તારના રહેવાસીઓ અસુરક્ષિતતા અનુભવી રહ્યા છે.' બિજલાણીએ વધુમાં કહ્યું હતું કે તેને પહેલીવાર સ્વ- રક્ષા માટે શસ્ત્રની જરૂર લાગે છે. તેણે આગળ જણાવ્યું હતું કે આ ઘટનાને પગલે મેં પુણે ગ્રામીણ પોલીસ પાસેથી હથિયારનું લાયસન્સ માંગ્યું છે. એક મહિલા તરીકે જો હું ઘરે એકલી જાઉં તો મને લાગે છે કે કોઈ પ્રકારની સુરક્ષા તમારી સાથે હોવી જોઈએ. આ પહેલાં મને ક્યારેય હથિયારના લાયસન્સ માટેની જરૂર લાગી નથી પરંતુ પહેલીવાર હું અસુરક્ષિત અને ભય અનુભવું છું. મને બંદૂકની જરૂર લાગી રહી છે.
બિજલાણીએ કહ્યું હતું કે તેને આશા છે કે અધિકારીઓ કડક પગલાં લેશે અને આ વિસ્તારના રહેવાસીઓનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવા માટે તપાસ ઝડપી બનાવશે.
જુલાઈ મહિનામાં અજાણ્યા વ્યક્તિઓ બિજલાણીના પાવના સ્થિત ફાર્મહાઉસમાં ઘૂસી ગયા હતા અને રેફ્રિજરેટર- ટીવી સેટ ફર્નિચર જેવી વસ્તુઓની તોડફોડ કરી હતી અને દિવાલો પર અશ્લીલ ગ્રાફિટી લખી હતી. પોલીસના જણાવ્યાનુસાર ચોરટાઓ ૫૦ હજારની રોકડ અને ટેલિવિઝન પણ લઈ ગયા હતા.
સંગીતા બિજલાણી ૯૦ના દાયકાની પ્રસિધ્ધ અભિનેત્રી હતી અને તેણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેનું નામ એક સમયે સુપરસ્ટાર સલમાન ખાન સાથે પણ જોડાયું હતું. જોકે ત્યારબાદ તેણે ક્રિકેટર અઝહરુદ્દીન સાથે લગ્ન કરી લીધા હતા. જોકે તેનાથી છૂટી પડયા બાદ હવે તે મનોરંજન વિશ્વથી દૂર પુણેના પાવના વિસ્તારમાં સમય ગાળે છે.








