Get The App

સલીમખાનને મગજમાં લોહી જામી જતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
સલીમખાનને મગજમાં લોહી જામી જતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા 1 - image

- સલમાનખાન સહિત સમગ્ર ખાન પરિવાર લીલાવતી હોસ્પિટલમાં ખડેપગે

- 1970ના દાયકામાં જાવેદ અખ્તર સાથે મળી સલીમખાને પટકથાલેખનનો નવો યુગ શરૂ કરેલો

મુંબઇ : સુપરસ્ટાર સલમાનખાનના પિતા અને પીઢ પટકથા લેખક સલીમખાનને માથામાં લોહી જામી જવાના પગલે મુંબઇના બાન્દ્રામાં આવેલી લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમને હાલ લીલાવતી હોસ્પિટલના  આઇસીયુમાં સારવાર અપાઇ રહી છે. ૯૦ વર્ષના સલીમખાનને અચાનક અંધારા આવતાં તેમના પરિવારજનોએ તેમને હોસ્ટિપલમાં લઇ ગયા હતા જ્યાં તેમને મગજમાં લોહી જામી ગયું હોવાનું નિદાન થયું હતું. તેમને અન્ય કોઇ તકલીફ ન હોવાનું તપાસમાં જણાયું હતું. 

સલીમ ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તે પછી સલમાનખાન બ્લેક ટી શર્ટ અને કેપમાં લીલાવતી હોસ્પિટલ પહોંચી ગયો હતો પણ તેણે પત્રકારો સાથે વાત કરવાનું ટાળ્યું હતું. ખાન પરિવારમાંથી અલ્વિરા ખાન અગ્નિહોત્રી, તેનો પતિ અતુલ અગ્નિહોત્રી અને એક્ટર આયુષ શર્મા લીલાવતી હોસ્પિટલમાં જણાયા હતા. 

હિન્દી ફિલ્મોમાં પટકથા લેખન દ્વારા ૧૯૭૦ના દાયકામાં નવા એન્ગ્રી યંગમેન યુગની શરૂઆત કરનાર સલીમ-જાવેદની જોડીએ શોલે, ઝંઝીર, દિવાર અને ડોન જેવી સફળ ફિલ્મો આપી છે. સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડીએ અમિતાભ બચ્ચનની એન્ગ્રીયંગમેનની ઇમેજ બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો. બાદમાં ખટરાગ થવાને પગલે સલીમખાન અને જાવેદ અખ્તર છૂટાં પડી ગયા હતા. સલીમ જાવેદની જોડી વિશે એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવવામાં આવી છે. 

સલીમ ખાનની પહેલી પત્ની  સુશીલા ચરક ૧૯૬૪માં  લગ્ન કરી સલમા  બની  હતી જ્યારે બીજા લગ્ન તેમણે ૧૯૮૧માં  એક જમાનાની વિખ્યાત કેબ્રે ડાન્સર હેલન સાથે કર્યા છે. સલીમખાનના બહોળાં પરિવારમાં ત્રણ પુત્રો  સલમાન, સોહેલ અને અરબાઝ  તથા બે પુત્રીઓ અલ્વિરા અને અર્પિતાનો સમાવેશ થાય છે.