ઈસ્તંબુલમાં સલીમની નાટકીય ધરપકડનો વીડિયો વાયરલ
દુબઈથી જ એક ચેઈન રચી ભારતમાં ડ્રગ નેટવર્ક ચલાવતો ડોલા સાઉદી પાસપોર્ટ પર દુનિયાભરમાં ફરતો હતો
મુંબઈ - ભાગેડુ ડોન દાઉદ ઇબ્રાહિમના નજીકના સહયોગી સલીમ ડોલાનું એક સંયુક્ત આંતરરાષ્ટ્રીય કાર્યવાહી બાદ ઇસ્તંબુલથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. ડી-કંપની નેટવર્ક સાથે જોડાયેલા વૈશ્વિક માદક દ્રવ્યોની હેરાફેરીનો મુખ્ય કડી માનવામાં આવતા ડોલાને મંગળવારે વહેલી સવારે એક ખાસ વિમાનમાં દિલ્હી લાવવામાં આવ્યો હતો. મુંબઈ એનસીબીમાં તેની સામે કેસ નોંધાયેલો હોવાથી તેનો કબ્જો મેળવવા મુંબઈ એનસીબીની ટીમ દિલ્હી પહોંચી ચૂકી હોવાનું જાણવા મળ્યું છે. સુરક્ષાના કારણોસર, સમગ્ર દેશનિકાલ પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી.
સલીમ ડોલા અનેક દેશોમાં કાર્યરત એક મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરી નેટવર્કનો ભાગ હોવાનું માનવામાં આવે છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ડોલાનું નામ ભારત, દુબઈ અને અન્ય દેશોમાં ફેલાયેલા વૈશ્વિક સિન્થેટિક ડ્રગ રેકેટ સાથે જોડાયેલું છે.
ઈસ્તાંબુલમાં સલીમ ડોલાની નાટકીય ધરપકડનો વીડિયો ઓનલાઈન વ્યાપકપણે ફરતા થઈ રહ્યા છે. એમાં ઈસ્તાંબુલ નાર્કો પોલીસ (નાર્કોટિક્સ પોલીસ) ની એક ટીમ એક રૃમમાં ઘૂસીને ડોલાને પકડી રહી છે. તેઓ રૃમની ઝીણવટભરી તપાસ કરતા અને વીડિયોમાં અંતે પોલીસ ટીમ ડોલાને કારમાં લઈ જતી જોઈ શકાય છે.
દિલ્હી પહોંચ્યા પછી ડોલાને આરકે પુરમ સ્થિત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ સઘન પૂછપરછ શરૃ કરી હતી. વધુ તપાસ અને કાનૂની કાર્યવાહી માટે તેને મુંબઈ પોલીસ અથવા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને સોંપવામાં આવશે એમ કહેવાય છે.
સ્થાનિક પોલીસના સહયોગથી તુર્કીના નેશનલ ઇન્ટેલિજન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇસ્તંબુલમાં આ ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે ડોલા ખોટી ઓળખ હેઠળ રહેતો હતો.અધિકારીઓથી બચવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરતો હતો અને કથિત રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ નેટવર્કમાં તે સામેલ હતો.
તપાસકર્તાઓનું માનવું છે કે આ નેટવર્ક ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની ડી-કંપની સાથે જોડાયેલું છે. સલીમ ડોલા અગાઉ મુંબઈના ડોંગરી વિસ્તારમાં સક્રિય હતો અને પછી દુબઈમાં શિફ્ટ થયો હતો.
દુબઈથી તે ભારતને લક્ષ્ય બનાવતી એક મોટી ડ્રગ સપ્લાય ચેઇનનું સંચાલન કરતો હોવાની શંકા છે. એજન્સીઓનો એવો પણ દાવો છે કે તેની પાસે સાઉદી અરેબિયાનો પાસપોર્ટ હતો. જેના કારણે તેને કથિત રીતે અન્ય દેશોમાં મુક્તપણે મુસાફરી કરવામાં મદદ મળી હતી.
ભારતીય એજન્સીઓએ ઘણા મહિનાઓથી ડોલાના નેટવર્કની આસપાસ સકંજો કડક કરી દીધો હતો.
ઓક્ટોબર ૨૦૨૫માં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે તેના નજીકના સહાયક મોહમ્મદ સલીમ સોહેલ શેખને દુબઈથી પ્રત્યાર્પણ કર્યો હતો.ગત વર્ષે તેના પુત્ર તાહિર ડોલા સહિત તેના પરિવારના ચાર સભ્યોની પણ દુબઈમાં ધરપકડ કરવામાં આવી અને તેમને ભારત લાવવામાં આવ્યા હતા.


