મ્યુ ચૂંટણીમાં ખાઉગલીઆના ફૂડ સ્ટોલ્સના ધંધામાં તેજી
એ ક-એક વિક્રેતાને એકસાથે ૧૦-૧૫૦ વડાપાંવના ઓર્ડર બને છેઃ કેટલાક ઉમેદવારોએ કાર્યાલયમાં જ રસોડાં શરુ કર્યાં
મુંબઇ - મુંબઇ મહાનગરપાલિકાની ચૂંટણીના ચાલી રહેલા પ્રચાર દરમિયાન પ્રચારમાં જોડાયેલા કાર્યકરો અને સ્વયંસેવકોની પહેલી પસંદ દેશી બર્ગર વડા- પાવ છે. એટલે જ ખાઉગલીઓમાં તેમ જ રસ્તા ઉપર લારી ઉભી રાખીને કે પછી સ્ટોલમાં ગરમાગરમ વડા તળીને પાવ- ચટણી સાથે વેંચતા વિક્રેતાઓના ધંધામાં ખરી તેજી આવી છે.
ઘાટકોપર, દાદર, વિલેપાર્લે, કુર્લા અને પરેલમાં વડા- પાવના વેચાણમાં સામાન્ય દિવસો કરતાં ૨૦થી ૨૫ ટકાનો વધારો થયો છે. સવારે જુદા જુદા એરિયામાં પ્રચાર રેલીઓ શરૃ થયા પછી એક એક વિક્રેતાને પચાસ-સો વડા પાવના ઓર્ડર આવતા જાય છે. એક વડા- પાવના સ્ટોલવાળાએ કહ્યું હતું કે આ ચૂંટણીના દિવસોમાં અમને શ્વાસ લેવાનો પણ ટાઇમ નથી મળતો.
આવી જ રીતે ચાની ટપરીવાળાને પણ ખરો તડાકો પડયો છે. મોટા મોટા તપેલામાં ચા સતત ઉકળતી જ રહે છે અને પ્રચારકો જરા સ્ફૂર્તી આવે માટે કટિંગ ચાયની ચુસ્કીઓ લેતા હોય છે. ઘાટકોપરમાં તો એક મોટા ચાવાળાએ ફટાફટ કટિંગ ચા ઉમેદવારોના કાર્યાલયમાં પહોંચાડવા માટે વધુ માણસો રોક્યા છે. જ્યારે બીજી તરફ અમુક ઉમેદવારોએ પૈસા બચાવવા માટે કેટરિંગવાળાને રોકી પોતાને ત્યાં મંડપમાં જ ચા બનાવવાનો અને કાર્યકરોને પીવડાવવાનો નુસ્ખો અજમાવ્યો છે.
પ્રચારમાં મોટા બેનરો લગાડવા, વાહનો ઉપયોગમાં લેવા તેમ જ જાહેરાતો પાછળ ખર્ચ થાય છે એમ કાર્યકરોની ખાણી- પીણી પાછળ થતો ખર્ચ પણ ચૂટણી બજેટનો મહત્વનો હિસ્સો છે.
વડા- પાવ લોકોની પહેલી પસંદ છે તો બીજી બાજુ સમોસા, સેન્ડવિચ અને રગડા- પેટિસની માગણી પણ વધી છે. ભોજન માટે પૂરી- ભાજી, બિરયાની- પુલાવ અને ભાજી- ચપાતીનો વધુ ઉપાડ થઇ રહ્યો છે. આમ રસ્તા પાસેની નાની ટપરીઓ અને નાની હોટલોને પણ ઘણો ફાયદો થઇ રહ્યો છે.


