Mumbai

સુરતના સાઈ ભક્તોને નાસિક પાસે અકસ્માત, 3નાં મોત

By GS TEAM
30 Oct 20252 mins read
સુરતના સાઈ ભક્તોને નાસિક પાસે અકસ્માત, 3નાં મોત

ટુ વ્હીલરને બચાવવા જતાં કાર પલ્ટી ખાઈ ગઈ

શિર્ડી દર્શન કર્યા બાદ નાસિક થઈ સુરત પાછા ફરી રહ્યા હતાઃ  કાર ચાલક સહિત ચાર ઘાયલઃ બેની હાલત ગંભીર

મુંબઈ -  શિર્ડી દર્શને આવેલા સુરતના સાઈ ભક્તોની  કાર નાસિકના યેવલા નજીક પલ્ટી ખાઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં મહિલા સહિત ત્રણના ંમોત નીપજ્યાં  હતાં. કાર ચાલક સહિત અન્ય ચારને ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ  હાથ ધરી છે. 

સુરતથી ફોર્ચ્યુનર એસવી લઈ શિર્ડી દર્શન માટે સાત ભાવિકો આવ્યા હતા. દર્શન કર્યા બાદ નાસિક થઈ સુરત પાછી ફરતી વખતે મંગળવારે રાતે ૧૧ વાગ્યાની આસપાસ નાસિક-છત્રપતિ સંભાજનગર હાઈવે  પર એરંડ ગામથી રાયેતા  ગામ વચ્ચે આગળ જતાં ટુ વ્હીલરને બચાવવા જતાં એસયુવી ચાલકે કાર પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી  ખાઈ ગઈ હતી. 

આ અકસ્માતમાં પલક કાપડિયા અને સુરેશ ચન્દ્ર શાહુનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય પાંચ ઘવાયા હતા. જેમાંથી પ્રણવ દેસાઈનું હોસ્પિટલ પહોંચતાં પહેલાં માર્ગમાં જ  મોત નીપજ્યું હતું. કાર ચાલક  ૩૦ વર્ષીય સાગર શાહ, વિષ્ણુ છકવાલા, વિક્રમ ઓસવાલ અને બિપીન રાણાને ગંભીર ઈજાઓ થઈ હતી. 

અકસ્માત બાદ સ્થાનિકો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તમામ ઘાયલોને સારવાર માટે નાસિક હોસ્પિટલમાં ખસેડવામાંં આવ્યા હતા.ચારમાંથી બેની સ્થિતિ હાલ ગંભીર હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.

યેવલા પોલીસે પંચનામુ કરીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પોલીસે આ મામલે કાર ચાલક સાગર સામે પોતાનો અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકવા માટે ગુનો નોંધ્યો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરાઈ હતી.