ડોલર સામે રૂપિયાની સતત પીછેહઠ, 88.38ના નવા તળિયે પટકાયો

કામકાજના અંતે ૮૮.૨૬ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો : બેન્કોની ડોલરમાં વેચવાલીએ વધુ રકાસ અટક્યો
વિવિધ સ રકારી બેન્કો ઉંચા મથાળે ડોલર વેંચવા નિકળતાં ત્યારબાદ રૂપિયો વધુ તૂટતો અટકી ફરી ઉંચકાયો હતો. બજારમાં ચર્ચાતી વાતો મુજબ રિઝર્વ બેન્કની કહેવાતી સુચનાથી આજે વિવિધ સરકારી બેન્કો દરમિયાન પીઠબળ આપવા ઉંચા મથાળે ડોલર વેચતી જોવા મળી હતી.
આ પૂર્વે તાજેતરમાં ડોલર સામે રૂપિયો તૂટી રૂ.૮૮.૩૩ સુધી ઉતરી ગયો હતો અને આજે રૂપિયો નીચામાં રૂ.૮૮.૩૮ બોલાતા નવી નીચી સપાટી રૂપિયામાં જોવા મળી હતી. ડોલરમાં આજે આયાતકારો તથા અમુક વિદેશી બેન્કોની ખરીદી દેખાઈ હતી જ્યારે સરકારી બેન્કો ઉછાળે ડોલર વેંચી રહી હતી.
વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ જોકે આજે ૦.૩૫ ટકા તૂટયો હતો. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૨૬ તથા નીચામાં ૯૭.૯૬ થઈ ૯૮.૦૦ રહ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન,મુંબઈ શેરબજારમાં આજે સાંકડી વધઘટ દેખાઈ હતી જ્યારે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં પીછેહટના સમાચાર હતા. ક્રૂડતેલ ઘટતાં રૂપિયા પર તેની પોઝીટીવ ઈમ્પેક્ટ બપોર પછી આવી હતી. દરમિયાન, રૂપિયા સામે પાઉન્ડના ભાવ આજે ૫૦ પૈસા ઉંચકાઈને રૂ.૧૧૮.૯૮ રહ્યા હતા. બ્રિટનમાં ડેપ્યુટી પીએમ દ્વારા રાજીનામું આપવામાં આવતાં ત્યાં રાજકીય પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા હતા. અમેરિકાની ટેરીફના પ્રશ્ને ભારતના બજારોમાં અજંપો જોવા મળ્યો હતો.અમેરિકાની નારાજગી છતાં ભારત રશિયાથી ઓઈલની ઈમ્પોર્ટ ચાલુ રાખશે એવું નાણાંપ્રધાને જણાવ્યું હતું.
દરમિયાન, યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે આજે બાવન પૈસા વધી રૂ.૧૦૩.૧૬ રહ્યા હતા. જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૨૨ ટકા વધી હતી. જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે આજે ૦.૧૫ ટકા પ્લસમાં રહી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.









