Get The App

ખરાત કેસમાં રુપાલી ચાકણકરની બહેન પ્રતિભાની 8 કલાક પૂછપરછ

Updated: Apr 14th, 2026

GS TEAM

Google News
Google News
ખરાત કેસમાં રુપાલી ચાકણકરની બહેન પ્રતિભાની 8 કલાક પૂછપરછ 1 - image

પ્રતિભાના પુત્ર ચિન્મયનું પણ નિવેદન નોંધવામાં આવ્યું 

પ્રતિભાના નામનાં ખાતાં સહિત કુલ ૧૩૨ ખાતાંમાં ખરાત એકલો નોમિનીઃ ૬૨ કરોડથી વધુના વ્યવહારો 

મુંબઈ -    ઢોંગી બાબા અશોક ખરાત દ્વારા  બેંક ખાતાના કથિત ઉપયોગના સંદર્ભમાં સોમવારે અહિલ્યાનગર પોલીસે એનસીપી નેતા અને મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ રૃપાલી ચાકણકરની બહેન પ્રતિભાની અંદાજે આઠ કલાક પૂછપરછ કરી હતી,એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમના પુત્ર ચિન્મયના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

   અધિકારીએ ઉમેર્યું કે પ્રતિભા ચાકણકરની આજે સવારથી અહીંથી લગભગ ૨૫૦ કિલોમીટર દૂર અહિલ્યાનગર સ્થિત શિરડી પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી હતી. 

    અધિકારીએ કહ્યું હતું કે સમતા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં પ્રતિભા અને તેમના પુત્ર તન્મયના નામે ખાતા છે. તેની વિગતો મેળવવા માટે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

     ખરાતે  બે ક્રેડિટ સોસાયટીઓમાં અલગ-અલગ નામોથી ૧૩૨ ખાતા ખોલ્યા અને કુલ ૬૨.૭૪ કરોડ રૃપિયાના વ્યવહારો કર્યા હતા.એમાંથી એક ખાતું પ્રતિભા ચાકણકરના નામે ખોલવામાં આવ્યું હતું.તેનું સંચાલન ખરાત કરતો હતો.આ બધા ખાતાઓના નોમિની ખરાત હતો. તેનો મોબાઇલ નંબર ખાતા ખોલતી વખતે વિગતોના ભાગ રૃપે સબમિટ કરવામાં આવ્યો હતો, એવી  અધિકારીએ માહિતી આપી હતી. 

     અધિકારીએ કહ્યું  હતું કે, ખરાત  તેની પત્ની કલ્પના અને અન્ય ત્રણ લોકો સામે જમીન પચાવી પાડવાના કેસની તપાસ કરતા  આ ખાતાઓ અને તેમની સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારો પ્રકાશમાં આવ્યા હતા.   તેમણે ઉમેર્યું કે આ પાંચ જણ સામે  શિરડી સ્થિત માલિકને રૃ.૫.૫૨ કરોડની લોન આપવાના નામે જમીન કબજે કરવાનો આરોપ છે.

    આ કેસમાં બે વચેટિયાઓની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે કલ્પના ખરાત અને વધુ એક આરોપી ફરાર છે.

અધિકારીએ માહિતી આપી હતી કે અહિલ્યાનગર પોલીસે કલ્પના ખરાત વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો છે.

    અશોક ખરાત સાથેના સંબંધો પ્રકાશમાં આવ્યા બાદ રૃપાલી ચાકણકરે ગયા મહિને મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ તેમજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાજ્ય મહિલા પાંખના વડા પદેથી રાજીનામું આપ્યું હતું. તે સમયે  ચાકણકરે દાવો કર્યો હતો કે અશોક ખરાતના નાણાકીય વ્યવહારો અથવા કથિત ગેરરીતિઓ સાથે તેમનો કોઈ સીધો કે પરોક્ષ સંબંધ નથી.

     નાસિક પોલીસે ૧૮ માર્ચે અશોક ખરાતની ત્રણ વર્ષ સુધી એક મહિલા પર વારંવાર બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. જોકે તપાસમાં  જાતીય હુમલો, જમીન પચાવી પાડવા, નાણાકીય અનિયમિતતાઓ તેમજ કાળા જાદુનો ઉપયોગ કરીને છેતરપિંડી સહિતના ગુનાઓનો ખુલાસો થયો હતો.