રસ્તા પર 'આઇ લવ મોહમ્મદ' લખાણના વિરોધમાં અહિલ્યાનગરમાં ધમાલ

હાઈવે પર રસ્તા રોકો આંદોલન બાદ પથ્થરમારો
ભારે ટ્રાફિક જામ સાથે પથ્થરમારો થતાં પ્રદર્શનકારીઓને વિખેરવા પોલીસનો લાઠીચાર્જ, એકની ધરપકડ, ૩૦ની અટકાયત
મુંબઈ - મહારાષ્ટ્રના અહિલ્યાનગરમાં રસ્તા પર આઇ લવ મોહમ્મદના લખાણ સામે રસ્તા રોકો આંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓ હિંસક બન્યા હતા. આંદોલનમાં પથ્થરમારો કરાતા ટોળા પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
આ મામલામાં એકની ધરપકડ અને ૩૦ની અટકાયત કરવામાં આવી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. અહિલ્યાનગર સ્થિત કોતવાલી ખાતે કોટલામાં રસ્તા પર આઇ લવ મોહમ્મદના લખાણથી મુસ્લિમ સમુદાય વ્યથિત થયો હતો. આ મામલે કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે કેસ દાખલ કરી શંકાસ્પદ એક વ્યક્તિને પકડયો હતો. આમ છતાં કેટલાક લોકો દ્વારા અહિલ્યાનગર સંભાજીનગર હાઇવે પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આહિલ્યાનગરમાં આંદોલન વખતે રસ્તા રોકો કરાતા ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા વિનંતી કરી હતી. પરંતુ ટોળામાંથી કેટલાક લોકોએ પથ્થરમારો શરૃ કર્યો હતો. જેના લીધે પોલીસને લાઠી ચાર્જ કરવો પડયો હતો. અહિલ્યાનગર સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ સોમનાથ ધર્ગેએ જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શન, રસ્તા રોકો, પથ્થરમારા સંદર્ભે ઓછામાં ઓછા ૩૦ લોકોની અટકાયત કરવામાં આવી છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બળનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓ સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. લોકોએ અફવા પર વિશ્વાસ ન કરવો જોઇએ.
કોતવાળી પોલીસ સ્ટેશન સામે સેંકડો લોકો એકઠા થઇ ગયા હતા. આ ઘટના બાદ પોલીસ વહીવટીતંત્ર સતર્ક બની ગયું હતું. ફરી કોઇ અનિચ્છનીય ઘટના ન બને માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.









