અંધેરીનાં વૃદ્ધા સાથે ડિટિજલ ફ્રોડ
વૃદ્ધાએ ફાઈલ ડાઉનલોડ કરતાં ફોન હેક કરી બેન્ક ખાતાંની એક્સેસ મેળવી લીધી
મુંબઈ - અંધેરીમાં ૭૮ વર્ષીય વૃદ્ધા સાથે વીજ બિલમાં નામ બદલાવવાના નામે એપીકે ફાઈલ મોકલીને તેમના મોબાઈલ ફોનનો એક્સેસ મેળવીને સાયબર ફ્રોડસ્ટરોએ રુ. પચ્ચીસ લાખથી વધુની રકમ બેંક ખાતામાંથી ઉપાડી લીધી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
વિગત મુજબ, અંધેરીના ચાર બંગલા વિસ્તારમાં ૭૮ વર્ષીય વૃદ્ધાએ ૧૦ માર્ચે તેના વીજળી બિલ પર નામ બદલવા માટે અરજી કરી હતી. બીજા દિવસે તેઓ તેના સંબંધીઓને મળવા કેરળ ગયા હતા. આ સમયે તેમને તેમના મોબાઈલ ફોન પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. આમાં ફોન કરનારે પોતે વીજ કંપનીનો કર્મચારી હોવાનો દાવો કર્યો હતો.
ફોન કરનારે વધુમાં વૃદ્ધાને વીજ કંપનીના ગ્રાહક ખાતામાં નામ બદલામાં માટે રુ. ૧૩ ચુકવવા કહ્યું હતું. વૃદ્ધા શહેરની બહાર હોવાથી તેણે તેની નોકરાણી સાથે વાત કરવા આરોપીને જણાવ્યું હતું. જેથી આરોપીએ વૃદ્ધા અને નોકરાણી સાથે કોન્ફરન્સ કોલ કર્યો હતો. આ બાદ ઈ- કેવાયસી પૂર્વ કરવાના નામે આરોપીએ વૃદ્ધાના વોટ્સએપ પર એપીકે ફાઈલ મોકલી હતી.
વૃદ્ધાએ આ ફાઈલ ડાઉનલોડ કરતા આરોપીએ તેમના ફોનની એક્સેસ મેળવી હતી. આ બાદ સાયબર ફ્રોડસ્ટરે વિગતો વેરિફિકેશનના નામે ક્રેડિટ કાર્ડની વિગતો અને તેનો પાસવર્ડ માંગ્યો હતો. જેથી થોડા જ સમયમાં બેંક ખાતામાંથી રુ.પચ્ચીસ ૫ લાખથી વધુની રકમ ઉપાડી લેવામાં આવી હતી. આ ઘટના બાદ વૃદ્ધાએ ૨૧ માર્ચે મુંબઈ પરત ફરીને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.


