નારાજ વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ પ્રશાસન સામે કાર્યવાહીની માગણી
વિદ્યાર્થીઓ પાસે પૈસા પડાવવા માટે નહિ પરંતુ આઈડી કાર્ડનો થતો ગેરઉપયોગ રોકવા ફી વધાર્યાનો કૉલેજનો દાવોત છતાં ફી નિયમ કરતાં દસ ગણી વધુ
મુંબઈ - કાંદિવલીની ઠાકૂર સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ પ્રશાસન દ્વારા ઓળખપત્ર (આઈડી કાર્ડ)ની કોપી બનાવવા માટે વિદ્યાર્થીઓ પાસેથી એક હજાર રુપિયા ફી વસૂલાતી હોવાનું સામે આવ્યું છે. મુંબઈ યુનિવર્સિટીના નિયમાનુસાર ફક્ત ૫૦ રુપિયા ફી લેવી અપેક્ષિત હોવા છતાં કોલેજ દ્વારા આટલી મોટી રકમ લેવાતી હોવા બાબતે વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ નોંધાવી કૉલેજ સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. દરમ્યાન આઈડી કાર્ડનો દુરુપયોગ રોકવા આ નિર્ણય લેવાયો હોવાનું ઠાકૂર કૉલેજ પ્રશાસનનું કહેવું છે.
મુંબઈ યુનિવર્સિટીના ૬ ઑગસ્ટ ૨૦૧૮ના પરિપત્રક મુજબ ઓળખપત્ર (આઈડી કાર્ડ) માટે માત્ર ૫૦ રુપિયા ફી વસૂલવાનો આદેશ છે. પરંતુ કાંદિવલીની ઠાકૂર સાયન્સ એન્ડ કોમર્સ કૉલેજના પ્રાચાર્યએ સાતમી જાન્યુઆરી ૨૦૦૬ના રોજ એક સર્ક્યુલર કાઢી આઈડી કાર્ડની નકલ બનાવવા માટે એક હજાર રુપિયા વધારાની ફી વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવશે, એવું જાહેર કર્યું.તેમજ વિદ્યાર્થીઓની ફી સમયસર ન ભરાય તો તેમની પાસેથી ૫૦૦ થી પાંચ હજાર રુપિયા સુધીનો દંડ વસૂલાય છે.
મુંબઈ યુનિવર્સિટી દ્વારા પણ ૧૦૦ રુપિયા ફી વસૂલવાની મંજૂરી હોવા છતાં આ કોલેજના ૧૦૦૦ રુપિયા ફી વસૂલવાના નિર્ણય સામે કેર ઓફ પબ્લિક સેફ્ટી એસોશિએશન(કૉપ્સ) નામક વિદ્યાર્થી સંગઠનનો આ મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ સંપર્ક કરી માહિતી આપી હતી. તેની ફરિયાદની દખલ લઈ કૉપ્સે સંબંધિત કૉલેજ પ્રશાસનની તત્કાળ પૂછપરછ કરી તપાસ કરવી, એવી માગણી કરતો પત્ર મુંબઈ યુનિવર્સિટીના કુલગુરુને લખ્યો છે.
દરમ્યાન કૉલેજના પ્રભારી પ્રાચાર્યનું કહેવું છે કે, કૉલેજના કેટલાંક વિદ્યાર્થીઓ આઈડી કાર્ડનો ગેરઉપયોગ કરતાં હોવાનું પ્રશાસનને જણાયું છે. ઓળખકાર્ડની નકલ બનાવી કૉલેજ બહારના વિદ્યાર્થીઓને અંદર લઈ આવતાં હોય છે. તેને અટકાવવા આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો હેતુ પૈસા પડાવવાનો નહીં તો આ ગેરરીતિ રોકવાનો છે.


