ટ્રેન પ્લેટફોર્મ વચ્ચે ફસાય ગયેલા મુસાફરને આરપીએફ કોન્સ્ટેબલે બચાવી લીધો
લોકમાન્ય તિલક ટર્મિનસ પર ચાલતી ટ્રેનમાં ચઢવા જતા
મુસફર કૌટુબિંક ઈમરજન્સીને કારણે ચાલતી ગરીબ રથમાં ચઢવાનો પ્રયાસ કરતા સંતુલન ગુમાવી દીધું હતું
મુંબઈ - લોકમાન્ય તિલક ટર્મિનસ (એલટીટી) ખાતે ચાલતી એકસપ્રેસ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતા એક મુસાફર ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ ગયો હતો. આ સમયે મધ્ય રેલવેના એક સતર્ક આરપીએફ કોન્સ્ટેબલે ઝડપી કાર્યવાહી કરતા મુસાફરને બચાવી લીધો હતો.
આ ઘટના શુક્રવારે રાત્રે બની હતી. જેમાં ટ્રેન નંબર ૧૨૨૦૧ ડીએન એલટીટી- કોચુવેલી ગરીબ રથ એકસપ્રેસ પ્લેટફોર્મ નંબર ચાર પરથી રવાના થઈ હતી. આ સમયે ટ્રેન ચાલવા લાગી હતી ત્યારે એક મુસાફરે ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતા સંતુલન ગુમાવી બેસતા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાય ગયો હતો.
આ ઘટના સમયે પ્લેટફોર્મ પર ફરજ પર તૈનાત મધ્ય રેલવેના મુંબઈ વિભાગના રેલવે પ્રોટેકશન ફોર્સ (આરપીએફ) કોન્સ્ટેબલ રામ સિંહે આ દ્રશ્ય નિહાળતા ત્વરીત કાર્યવાહી કરતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મુસાફરને સુરક્ષિત રીતે બચાવી લીધો હતો. જેનાથી મોટી દુર્ઘટના બનતા ટળી હતી. આ સમ્રગ ઘટના પ્લેટફોર્મના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને આ વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો.
રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, બચાવાયેલ મુસાફર ઘટના સમયે તેના જ વિચારોમાં મગ્ન હતો અને કૌટુંબિક ઈમરજન્સીને કારણે ઉતાવળમાં હતો. આથી તેણે ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ મુસાફરનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતુ.
આ ઘટના બાદ રેલવે વહીવટીતંત્રે ફરી એકવાર મુસાફરોને ચાલતી ટ્રેનોમાં ચઢવા કે ઉતરવાનું ટાળવાની અપીલ કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આવુ કૃત્ય જીવન માટે ગંભીર રીતે જોખમી બની શકે છે.