4 પ્રવાસીને ઠાર કરનારા આરપીએ જવાન ચેતનની માનસિક હાલત સુધરી
થાણે મેન્ટલ હેલ્થ રિવ્યૂ બોર્ડે કોર્ટને માહિતી આપી
જયપુર એક્સપ્રેસમાં ફાયરિંગ કેસની સુનાવણી હવે આગળ વધવાની શક્યતા
મુંબઈ- થાણેના મેન્ટલ હેલ્થ રિવ્યુ બોર્ડે સેશન્સ કોર્ટને જાણ કરી હતી કે જયપુર મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં જુલાઈ ૨૦૨૩ના ગોળીબાર કરીને ચારના મોત નીપજાવનારા આરપીએફ કોન્સ્ટેબલ ચેતનસિંહ ચૌધરી હવે માનસિક બીમારીની સમસ્યામાંથી બહાર આવી ગયો છે. આથી તેની સામે સુનાવણી શરૃ કરવાનો માર્ગ મોકળો થયો છે.
ચેતનસિંહ માનસિક રીતે તંદુરસ્ત હોવાનું મંગળવારે બોર્ડે કોર્ટને જણાવ્યું હતું. આથી કોર્ટે સરકારી વકિલ સુધીર સપકાળને પૂછ્યું હતું કે હવે સુનાવણી ચલાવી શકાય અને પ્રોડક્શન વોરન્ટ જારી કરી શકાય ? જોકે બચાવ પક્ષના વકિલે ચૌધરીના પરિવારની સલાહ લેવાની વિનંતી કરવા સમય માગ્યો હતો. ચૌધરી હવે સારવાર હેઠળ નથી એમ બોર્ડે ઈમેઈલ દ્વારા કોર્ટને જાણ કરી છે, પણ અમે આગળ વધવા પહેલાં વ્યક્તિગત રીતે તેની સ્થિતિ ચકાસવા માગીએ છીએ, એમ બચાવ પક્ષે જણાવ્યું હતું.
ડિસેમ્બર ૨૦૨૩માં અકોલા જેલ ઓથોરિટીએ ચૌધરીની માનસિક સ્થિતિ કથળી રહી છે અને તેણે નાશિક મેન્ટલ હોસ્પિટલમાં ખસેડવાની માગણી કરી છે. જોકે કોર્ટે થાણે સેન્ટ્રલ જેલમાં રાખીને થાણે મેન્ટલ હોસ્પિટલને સારવાર માટે જણાવ્યું હતું. હવે કોર્ટે આગામી સુનાવણી ૧૭ જુલાઈ પર રાખી છે.