વિશ્વના અબજોપતિઓની યાદીમાં બોલીવૂડમાંથી માત્ર રોની સ્ક્રૂવાલા
127 અબજ રુપિયાની સંપત્તિ હોવાનો અંદાજ
રોનીની સંપત્તિ શાહરુખ, સલમાન અને આમિરની કુલ નેટવર્થ કરતાં પણ વધારે
મુંબઇ - તાજેતરમાં જાહેર થયેલી 'ફોર્બ્સ'ની બિલિયોનરની યાદીમાં બોલીવૂડમાંથી માત્ર નિર્માતા રોની સ્ક્રૂવાલાને સ્થાન મળ્યું છે. તેની સંપત્તિ ૧.૫ અબજ ડોલર એટલે કે આશરે ૧૨૭ અબજ રુપિયા હોવાનો અંદાજ અપાયો છે.
રોનીની સંપત્તિ બોલીવૂડની ખાન ત્રિપુટીની સંયુક્ત સંપત્તિ કરતાં અનેકગણી વધારે છે. શાહરૃખ ખાન ૬૫.૭૦ અબજ રુપિયા, સલમાન ખાન ૩૩.૨૮ અબજ રુપિયા અને આમિર ખાન ૧૮. ૭૭ રુપિયાની સંપત્તિ ધરાવે છે. ત્રણેયની કુલ સંપત્તિ આશરે ૧૧૮ અબજ રુપિયા જેટલી થાય છે. જ્યારે રોની એકલાની જ સંપત્તિ આશરે ૧૨૭ અબજ રુપિયા છે.
રોનીએ ૭૦ના દાયકામાં ટૂથ બ્રશ ફેક્ટરીથી શરુઆત કરી હતી. જોકે, ૮૦ના દાયકામાં તેણે પોતાની ટીવી નિર્માણ કંપની સ્થાપી હતી. તે પછી ફિલ્મ પ્રોડક્શન કંપની પણ બનાવી અનેક હિટ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેની કંપનીએ બનાવેલી ફિલ્મોમાં 'રંગ દે બસંતી', ' જોધા અકબર', ' એ વેડનેસ ડે ',' બરફી', 'ચેન્નાઈ એક્સપ્રેસ', 'ઉરી, ધી સર્જિકલ સ્ટ્રાઈક', 'સામ બહાદુર' વગેરેનો સમાવેશ થાય છે.