Mumbai

મહારાષ્ટ્ર સ્ટેટ બેન્ક કૌભાંડમાં ચાર્જશીટ બોગસ હોવાનો રોહિત પવારનો દાવો

By GS TEAM
21 Aug 20252 mins read
મહારાષ્ટ્ર સ્ટેટ બેન્ક કૌભાંડમાં ચાર્જશીટ બોગસ હોવાનો  રોહિત પવારનો દાવો

સમન્સના જવાબમાં રોહિત પવાર કોર્ટમાં હાજર 

મની લોન્ડરિંગ કેસમાં આરોપો નકાર્યાઃ ભૂતકાળમાં આ કેસમાં બે વખત ઈડી દ્વારા પૂછપરછ થઈ ચૂકી છે 

મુંબઈ -  મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટિવ  બેન્ક કૌભાંડમાં પોતાની સામે બોગસ ચાર્જશીટ દાખલ થયાનો દાવો એનસીપી(એસપી)ના ધારાસભ્ય રોહિત પવારે આજે અહીંની એક ખાસ કોર્ટમાં હાજર થઈને કર્યો  હતો. 

સસ્તા ભાવે  પોતાના મળતિયાઓને ખાંડ મિલો વેચી દેવાના ૨૦૧૯ના કૌભાં સંદર્ભમાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ કરેલી એફઆઈઆરમાંથી ઉદ્ભવેલા મની લોન્ડરિંગ કેસમાં રોહિત પવાર કોર્ટમાં હાજર થયા હતા. 

સાંસદો/ધારાસભ્યોના કેસ માટેના ખાસ ન્યાયાધીશ સત્યનારાયણ નવાંદરે ગયા મહિને પવાર સામેના કેસમાં નવી ચાર્જશીટની નોંધ લીધી હતી, અને નોંધ્યું હતું કે  આરોપી આ કાવતરાંમાં સામેલ હોવાનું  પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. 

ત્યારબાદ તેણે એનસીબી (એસપી)ના નેતા અને પૂરક ચાર્જશીટમાં નામ આપવામાં આવેલા અન્ય આરોપીઓને સમન્સ જારી કર્યા હતા.અહિલ્યાનગર જિલ્લાની કરજત-જામખેડ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરતા પવાર સમન્સનું પાલન કરીને કોર્ટ સમક્ષ હાજર થયા હતા.

તેમના વકીલાએ  જણાવ્યું હતું કે, કોર્ટે કોઈપણ શરતો લાદ્યા વિના, તેમની હાજરી નોંધી અને પીઆર બોન્ડ લાગુ કરી મુક્ત કરવાનો નિર્દેશ આપ્યો.કોર્ટ દ્વારા પૂછપરછ કરવામાં આવતા, પવારના વકીલોએ રજૂઆત કરી હતી કે ફરિયાદ પક્ષની ફરિયાદ (ચાર્જશીટ) બોગસ છે અને કોઈ કેસ બન્યો નથી, તેથી પડકારવાનો અધિકાર અનામત રાખવામાં આવે છે. આગામી સુનાવણી આઠમી ઓક્ટોબર છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ જૂનમાં પવાર, તેમના નજીકના સહયોગી અને ઉદ્યોગપતિ રાજેન્દ્ર ઇંગવલે તેમજ પવારની કંપની બારામતી એગ્રો લિમિટેડ સામે આ કેસમાં નવી ચાર્જશીટ દાખલ કરી હતી. તે ત્રીજી ચાર્જશીટ હતી અને હવે ૧૭ આરોપીઓ છે, જેમાં કંપનીઓનો પણ સમાવેશ થાય છે.

શરદ પવારના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના જૂથના ધારાસભ્યની ભૂતકાળમાં ઈડી દ્વારા આ કેસના સંદર્ભમાં બે વાર પૂછપરછ કરવામાં આવી છે.

ફડચામાં ગયેલી ખાંડ ફેક્ટરી બેન્કે સસ્તામાં પધરાવી  દીધી હોવાનો આરોપ

તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે એમએસસીબીએે છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં કન્નડ એસએસકે લિમિટેડની ૮૦.૫૬ કરોડ રૃપિયાની બાકી લોન વસૂલવા માટે ૧૩ જુલાઈ, ૨૦૦૯ ના રોજ સિક્યોરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એસએઆરએફએઈએસઆઈ) એક્ટ હેઠળ તેની બધી સંપત્તિઓનો કબજો લીધો હતો.

ઈડીનો આરોપ છે કે એમએસસીબીએ ૩૦ ઓગસ્ટ, ૨૦૧૨ ના રોજ કન્નડ એસએસકેની હરાજી કરી હતી અને શંકાસ્પદ મૂલ્યાંકન અહેવાલના આધારે  ખૂબ જ ઓછી અનામત કિંમત નક્કી કરી હતી.

 બારામતી એગ્રો લિમિટેડ ઉપરાંત, બે અન્ય પક્ષો બોલી પ્રક્રિયામાં જોડાયા. સૌથી વધુ બોલી લગાવનાર બોલી લગાવનારને નબળા આધારો પર ટેકનિકલી ગેરલાયક ઠેરવવામાં આવ્યો હતો, જ્યારે બીજો બોલી લગાવનાર પહેલેથી જ બારામતી એગ્રો લિમિટેડનો નજીકનો વ્યવસાયિક સહયોગી હતો અને તેની પાસે ખાંડ એકમ ચલાવવાની કોઈ નાણાકીય ક્ષમતા કે અનુભવ નહોતો, એમ તેમાં જણાવાયું છે.