Mumbai

મરાઠવાડામાં નદીઓ ગાંડીતૂર, અનેક ગામોનો સંપર્ક તૂટયો : ગોદાવરીના પૂર નાસિકમાં ઘૂસ્યા

By GS TEAM
28 Sep 20253 mins read
મરાઠવાડામાં નદીઓ ગાંડીતૂર, અનેક ગામોનો સંપર્ક તૂટયો : ગોદાવરીના પૂર નાસિકમાં ઘૂસ્યા

- છત્રપતિ સંભાજીનગરમાં 24 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબક્યો

- નાસિકના તમામ ઘાટ-મંદિરો ડૂબ્યાં,ગોદાવરી કાંઠે આવેલી હનુમાનજીની વિરાટ પ્રતિમા ડૂબી ગઈ 

- મુંબઈમાં મેઘાડંબર : ૫૦ કિમીની ઝડપે પવન સાથે પાંચ ઈંચ વરસાદ, બપોર બાદ ગતિ ધીમી પડતા રાહત

છત્રપતી સંભાજીનગર: મરાઠવાડામાં સતત ભારે વરસાદ ચાલુ રહેતાં તથા ડેમોમાંથી પાણી છોડાતાં પૂરની સ્થિતિ વણસી છે. છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી ૭૦૦૦ સહિત સમગ્ર મરાઠવાડામાંથી આશરે ૧૨૦૦૦ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની નોબત આવી છે. બીજી તરફ ધારાશિવમાં વરસાદ સંબંધી બનાવોમાં બેનો ભોગ લેવાયો છે. બીજી બાજુ  મુંબઈ સહિત મહારાષ્ટ્રના મોટાભાગનિા વિસ્તારને પ્રચંડ થપાટ મારી હતી. ગઈકાલે શનિવારે ૨૭, સપ્ટેમ્બરની રાતથી શરૂ થયેલો મુશળધાર વરાસદ આદે રવિવાર ૨૮ સપ્ટેમ્બરે લગભગ આખો દિવસ વરસ્યો હતો. મુંબઈના  પૂર્વનાં પરાં ઘાટકોપર, મુલુંડ, પવઈ અને પશ્ચિમનાં પરાં બોરીવલી, કાંદિવલી, મલાડથી લઈને અંધેરી અને તળ મુંબઈમાં આજે મુશળધાર વરસાદ વરસ્યો છે. સાથોસાથ મુંબઈના દરિયા લકિનારા નજીકના સ્થળોએ પવન ૪૦-૫૦ કિ.મી.ની તીવ્ર ગતિએ ફૂંકાયો હતો.

છેલ્લાં ત્રણેક દિવસથી તીર્થનગરી નાસિકને ધમરોળતો મુશળધાર વરસાદ આજે પણ ચાલુ રહેતા નાસિક શહેરમાં ઠેર ઠેર જળબંબાકાર સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદ સાથે ગંગાપુર ડેમમાંથી પાણી  છેડવામાં આવતા ગોદાવરી નદીમાં આવેલા પૂરનું પાણી શહેરમાં ફરી વળ્યું હતું. 

ગોદાવરી નદીના કાઠે આવેલા બધા જ મંદિરો પાણીમાં ડૂબી ગયા હતા. નદીકાંઠે હનુમાનજીની ઉંચી પ્રતિમાં (દુતોંડયા મારૂતી) છે એ પાણીમાં ડૂબી ગઇ હતી. આ ચોમાસામાં  પહેલી જ વાર આ પ્રતિમાં આપી ડૂબી હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. રામકુંડ વિસ્તારમાં આવેલા મંદિરોની  સાથે જ આખો ગોદાઘાટ પાણીમાં ડૂબેલો જોવા મળ્યો હતો. છત્રપતી  સંભાજીનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૧૯૬ મી.મી. વરસાદ પડયો હતો. આને લીધે ઠેર ઠેર રસ્તાઓ પાણીમાં ડૂબવાથી અને બે કાંઠે વહેતી નદીઓના પાણી પૂલ પરથી ફરી વળતા જિલ્લામાં વાહન-વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

જિલ્લાના જાયકવાડી ડેમના ૨૪ ગેટ ખોલી નાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧.૪૧ લાખ ક્યુસેક પાણી ગોદાવરી નદીમાં છોડવામાં આવતા નદીકાંઠાના ગામો અને તીર્થધામ પૈઠણમાં જોખમ  ઉભું થયું છે. 

મરાઠવાડાના બીડ, નાંદેડ  અને પરભણી જિલ્લામાં આજે પણ મુશળધાર વરસાદ ચાલું રહ્યો હતો અને સંખ્યાબંધ ગામડાનો સંપર્ક તૂટી ગયો હતો. મરાઠવાડામાં બચાવકાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની સાથે લશ્કરના જવાનો પણ દિવસ-રાત જહેમત ઉઠાવી રહ્યાં છે.

 અતિવૃષ્ટિ અને પૂરને લીધે મરાઠવાડામાં લાખો ખેડૂતોના ખેતરોનાં પાક નષ્ટ થઇ ગયો છે. મરાઠવાડાની નદીઓમાં પૂર આવતા નેશનલ અને સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળવાને કારણે વાહન- વ્યવહાર ખોરવાયો હતો.

હવામાન ખાતાના સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે ગુજરાત સમાચારને એવી માહિતી આપી  છે કે હજી આવતી બે દિવસ (૨૯,૩૦ સપ્ટેમ્બર) દરમિયાન, મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ માટે ઓરેન્જ  એલર્ટ, રત્નાગિરી, સિંધુદુર્ગ માટે ઓરેન્જ યલો એલર્ટ જારી કરી છે. એટલે કે આ બન્ને દિવસ દરમિયાન મુંબઈ સહિત કોંકણનાં તમામ સ્થળોએ મુશળધારા વર્ષા થાય તેવાં કુદરતી પરિબળો સક્રિય છે.