રાજકીય ધાંધલ વચ્ચે બીએમસીની ગરિમા લજવાઈ
સભાગૃહમાં સામસામા નારા બાદ ઘર્ષણ, નેતાઓ વચ્ચે ઝપાઝપીઃ પહેલા જ દિવસે મેયરની સ્પીચના લીરેલીરા ઉડાડાયા
મુંબઈ - મુંબઈનાં નવાં મેયર તરીકે ભાજપનાં રિતુ તાવડે અને ડેપ્યુટી મેયર તરીકે એકનાથ શિંદેની શિવસેનાના સંજય ઘાડી આજે બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતાં. રિતુ તાવડે મુંબઈનાં ૭૮માં મેયર બન્યાં છે. ૪૪ વર્ષ પછી ભાજપને મેયર પદ મળ્યું છે. આજે નવા ચૂંટાયેલા કોર્પોરેટરોની પહેલી સામાન્ય સભામાં મેયરની વરણી વખતે ભારે રાજકીય ધાંધલ અને શોરબકોર જોવા મળ્યાં હતાં. વિપક્ષી સભ્યોએ મેયરની સ્પીચની કોપી ફાડીને ઉડાડી હતી. ભાજપના નેતાઓએ મોદી-મોદી તો શિવસેના યુબીટીના નેતાઓએ ઠાકરે ઠાકરેના નારાથી સભાગૃહ ગજવ્યું હતું. બંને જૂથોના નેતાઓ સામસામે આવી જતાં એક તબક્કે તો ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયાં હતાં.
સભાગૃહમાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરોને બેસવાની જગ્યા ન અપાતાં તેમણે ભારે ઉહાપોહ મચાવ્યો હતો. શિવસેના (યુ.બી.ટી.)ના ગુ્રપ લીડર કિશોરી પેડણેકરને બોલવા ન દેતા શિવસેના યુ.બી.ટી.ના કોર્પોરેટરોએ સભા ત્યાગ કર્યો હતો.
નવા મેયરની વરણી વખતે સીએમ દેવેન્દ્ર ફડણવીસ તથા નાયબ સીએમ એકનાથ શિંદે બંને ગૃહની ગેલેરીમાં હજાર રહ્યા હતા. ભાજપે બીએમસીનું સુકાન સંભાળવના તેના દાયકાઓ જૂનું સપનું સાકાર થતાં આજે સભા ગૃહ, બીએમસી પરિસર તથા બહારના માર્ગો ને પણ પક્ષના ઝંડાઓથી ભરચક કરી દીધાં હતાં. ત્યારે શિવસેના (યુ.બી.ટી.)ના કોર્પોરેટરો પણ ભગવો ફેટો બંધાવીને બેઠા હતા. તેઓ ૫૦ ખોખા ઓકે એવા નારા લગાવ્યા હતા. આનાથી સમગ્ર સભાગૃહનું વાતાવરણ એટલું ગરમાયું કે બન્ને જૂથો વચ્ચે શાબ્દીક ચકમક ઉપરાંત ઝપાઝપી પણ જોવા મળી હતી. શિવસેના યુ.બી.ટી.ના કોર્પોરેટરોએ મેયર સ્પીચની કોપીઓ ફાડીને સભાગૃહમાં ઉડાડી હતી.
બીએમસીમાં સત્તાનું હસ્તાંતરણ થતુું હોય ત્યારે બંને પક્ષે ગરીમા જળવાતી હોય છે. મુંબઈ જેવાં મોટાં મહાનગરને છાજે તે રીતે મેયર પદગ્રહણ કરતાં હહોય છે. પંરંતુ, આજે આ અવસર રાજકીય હુંસાતુંસી અને ધાંધલમાં ફેરવાઈ ગયો હતો. પહેલા દિવસે આ અથડામણ જોતાં આગામી દિવસોમાં મહાપાલિકામાં શાસક અને વિપક્ષ વચ્ચે વધુ ચકમક ઝરવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.


