જાલનામાં મરાઠા આંદોલનકારીઓ પર લાઠીચાર્જ બાદ તોફાનોઃ પથ્થરમારો, આગચંપી
ટીયરગેસ ઉપરાંત હવામાં ગોળીબાર થયાના પણ આક્ષેપો
ધૂળે-સોલાપુર હાઇવે પર એક ખાનગી બસ એસટી સળગાવીઃપથ્થરમારામાં 50 પોલીસ જવાન ઘાયલ
મુંબઇ : જાલના જિલ્લાના અંતરવાલી સરાટી ગામમાં મરાઠા આરક્ષણ માટે આમરણ અનશન પર બેઠેલા આંદોલનકારીઓ પર પોલીસે લાઠીમાર કરતા પરિસ્થિતિ વણસી હતી. આ ઘટના બાદ આક્રમક બનેલા આંદોલનકારીઓનેે કાબૂમાં લાવવા પોલીસે ટીયરગેસ છોડવાની સાથે હવામાં હોળીબાર કર્યો હતો.
દરમિયાન તોફાનીઓએે પથ્થરમારો કરતા ૫૦થી વધુ પોલીસ ઇજા પામ્યા હતા. આ ઘટના બાદ રોષે ભરાયેલા આંદોલનકારીઓએ ધૂળે- સોલાપુર હાઇવે પર એક ખાનગી બસ અને એસ.ટી સહિત અમૂક ખાનગી વાહનોને આગ ચાંપી હતી.
ગત ચાર દિવસથી જાલનાના અંતરવાલી- સરાટી ગામમાં મરાઠા આરક્ષણના કાર્યકર્તાઓ મનોજ જરાંગેના નેતૃત્વમાં આમરણ અનશન પર બહેઠા હતા. આજે સવારે આંદોલનકારીઓ અને પોલીસે વચ્ચે ખેંચતાણ થયા બાદ પરિસ્થિતિ વણસી હતી. પોલીસ લાઠીચાર્જ કર્યો હતો. તદુપરાંત ટીયરગેસ પણ છોડયો હતો. આ દરમિયાન પોલીસે હવામાં ગોળીબાર પણ કર્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો. આ સમયે આંદોલનકારીઓએ ે કરેલ પથ્થરમારામાં ૫૦થી વધુ પોલીસકર્મીઓ અને ઘણા આંદોલનકારી પણ ઘવાયા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
જાલના જિલ્લાના અંબડ તાલુકામાં આવેલ અંતરવાલી સરાટી ખાતે મનોજ જરાંગેના આમરણ અનશનને ટેકો આપવા અંબડ તાલુકામાં ૨૨થી વધુ ગામો જોડાયા હતા અને બંધ પાળવામાં આવ્યો હતો. દરમિયાન આ સમગ્ર ઘટના પ્રકરણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે આમરણ અનશન બાબતે અમારી બેઠકો પણ ચાલી રહી હતી અને તેના પર શાંતિપૂર્ણ ઉકેલ આવે તે માટે પણ અમે પ્રયત્નશીલ હતા. દરમિયાન આજે એક અનશનકર્તાની તબિયત લથડતા પોલીસ તેને હોસ્પિટલમાં ભરતી કરવા લઇ જતી હતી ત્યારે પોલીસ અને આંદોલકો વચ્ચે સંઘર્ષ બાદ પરિસ્થિતિ વણસી હતી.
'અમને ગોળી મારશો તો પણ અમે આરક્ષણ લઇને જ રહીશું' ઃ મનોજ જરાંગે- પાટિલ
મરાઠી આરક્ષણ માટે આમરણ અનશન પર બેઠેલા મનોજ જરાંગે- પાટિલે આ બાબતે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમે છેલ્લા ત્રણ દિવસથી આમરણ ઉપવાસ પર બેઠા છીએ. આજે અનશન પર અમારો ચોથો દિવસ હતો. અમારામાંથી અમૂકની તબિયત લથડતા અમને જબરજસ્તી ઉપચાર માટે હોસ્પિટલમાં ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ખેંચતાણી થતા અમારા પર લાઠીમાર કરવામાં આવતા પરિસ્થિતિ વણસી હતી. તેમણે શિંદે- ફડણવીસ અને અજીત પવાર સરકાર પર હુમલો કરતા જણાવ્યું હતું કે આ લાઠીચાર્જની ઘટના સરકાર પર લાગેલો ડાઘ છે. 'હવે જો તમે અમારા પર ગોળી પણ ચલાવશો તો પણ અમે આરક્ષણ લઇને જ રહીશું.'
ઉચ્ચસ્તરીય તપાસનો સીએમ અને ડે. સીએમનો આદેશ
મરાઠી આંદોલનને મુદ્દે પરિસ્થિતિ વણસ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ આપ્યો હતો. આ સિવાય ઉપમુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આંદોલકો પર પોલીસે કરેલ લાઠીમારની તપાસનો આદેશ આપ્યો હતો. આ ઘટનાના રાજકીય પ્રત્યાઘાતો પડે તેમ હોવાથી સરકારે તપાસના આદેશો આપ્યા છે
ગૃહપ્રધાનના આદેશથી લાઠીચાર્જનો રાઉતનો આક્ષેપ
જાલનામાં મરાઠા આંદોલકો પર લાઠીમાર બાદ વિરોધપક્ષોએ સરકારને ઘેરી હતી. આ સંદર્ભે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ સંજય રાઉતે સરકાર પર આરોપ કરતા જણાવ્યું હતું કે આટલો મોટો લાઠીચાર્જ ગૃહ પ્રધાનના આદેશ વગર કોઇ રીતે શક્ય જ નથી. વિરોધી પક્ષના નેતા વિજય વડેટ્ટીવારે આરોપ કર્યો હતો કે સરકારે હવામાં ગોળીબાર કરી આંદોલન તોડી પાડવાનો પ્રચાસ કર્યો હતો.
એનસીપીનાં શરદ પવાર જૂથે પણ આ બનાવની આકરી ટીકા કરી જવાબદારો સામે પગલાંની માંગ કરી હતી.