ડ્રાઇવિંગ લાયસન્સ વિના સાયકલ ચલાવતા હતા એટલે વીમો નહિ મળે
અકસ્માત વીમાનો કલેઈમ નકારવા માટે વીમા કંપનીનું અજબ બહાનું
ગ્રાહક પંચે વીમા કંપનીને ઝાટકી, અકસ્માતમાં મૃત્યુ પામેલા સાઈકલ ચાલકના પરિવારને વ્યાજ સાથે વળતર ચૂકવવા આદેશ
મુંબઈ - નાગપુરના ગ્રાહક પંચે સાઈકલ ચલાવતી વખતે મૃત્યુ પામેલા શખસનું ડ્રાઈવિંગ લાયસન્સ માગીને દાવો ફગાવી દેનારી વીમા કંપનીને રૃ. ત્રણ લાખની રકમ પરિવારને ચૂકવવાનો આદેશ આપ્યો છે.
જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે ઠેરવ્યું હતું કે વીમા કંપનીની માગણી અયોગ્ય અને ગેરકાયદે છે. કંપનીને નવ ટકા વ્યાજ પણ ચૂકવવાનો આદેશ આપ્યો છે. નાગપુરનો રહેવાસી વિજય ઢોબળે સાઈકલિંગ કરતી વખતે મોટરસાઈકલ સાથે અથડાયા બાદ ગંભીર ઈજા પામ્યો હતો. બાદમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.
ઢોબળેની ત્રણ લાખની વીમા પોલીસી હતી. પત્નીએ વીમાની રકમનો દાવો કરતાં દાવો ફગાવી દેવાયો હતો.
ગ્રાહક પંચે નોંધ કરી હતી કે ઢોબળેની પત્નીએ પતિનું મોટરસાઈકલનું ડ્રાવિંગ લાયસન્સ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય દસ્તાવેજો રજૂ કર્યા નથી.
ઢોબળે સાઈકલ ચલાવતો હતો તો તેના ડ્રાઈવિંગ લાયસન્સ કેવી રીતે કંપની માગી શકે એવું આશ્ચર્ય વકિલે વ્યક્ત કર્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પોલીસ પાસે હતો. દાવો નકારવાના કંપનીના કારણને પંચે ફગાવી દીધું હતું.