રીક્ષાચાલકની પુત્રી અદિબા રાજ્યની પહેલી મુસ્લિમ મહિલા આઈએએસ બની
યુપીએસસીની પરીક્ષામાં ૧૪૨મો રેન્ક
ભાડાનું ઘર, આર્થિક અડચણો છતાં રીક્ષાચાલક પિતાની પુત્રી મહેનત કરી આગળ આવી
મુંબઈ - રાજ્યના યવતમાળની અદિબા અનમ અશ્ફાક અહમદે યુપીએસસી ૨૦૨૪માં ૧૪૨ ઓલ ઈન્ડિયા રેન્ક મેળવી રાજ્યની પ્રથમ મુસ્લિમ મહિલા આઈએએસ અધિકારી બનવાનું માન મેળવ્યું છે. એક રીક્ષાચાલકની દીકરી અદિબાએ અનેક અભાવો વચ્ચે તેણે આ સફળતા મેળવી છે.
અદિબાનો જન્મ યવતમાળના એક સામાન્ય પરિવારમાં રીક્ષાચાલક પિતાને ઘેર થયો હતો. તેની માતા ગૃહિણી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં કાયમ તેના પિતાએ તેના ભણતરને પ્રાધાન્ય આપ્યું હતું. યવતમાળના કળંબ ચોકમાં ભાડાના ઘરમાં રહેતી અદિબાએ નાનપણથી અભ્યાસમાં ઉત્તમ દેખાવ કર્યો છે. તેણે સ્થાનિક જિલ્લા પરિષદ શાળામાંથી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી પુણેની અબેદા ઈનામદાર કોલેજમાંથી ઉચ્ચશિક્ષણ લીધું છે.
ઘરમાં ખાસ શૈક્ષણિક વાતાવરણ ન હોવા છતાં અને આર્થિક સમસ્યાઓ છતાં તેણે પોતાનું ધ્યેય નિશ્ચિત રાખ્યું હતું. ધો.૧૨ બાદ યુપીએસસી પરીક્ષાની તૈયારી શરુ કરી. તેણે યવતમાળના હજ હાઉસ અને સ્થાનિક આઈએએસ સંસ્થામાંથી માર્ગદર્શન મેળવી પુણેના કોચિંગ ક્લાસમાંથી તૈયારી કરી હતી.
અદિબાની આ સફળતાથી ાસ કરી આદિવાસી બહુમતી વિસ્તાર ધરાવતા યવતમાળ જિલ્લા માં ખુશીની લાગણી છવાઈ છે.