નિવૃત્ત શિક્ષિકા અને 9 વિદ્યાર્થિનીઓની વિઝિટિંગ પ્રોફેસર દ્વારા જાતીય સતામણી

વિદ્યાર્થીઓએ ઈવેન્ટનો બહિષ્કાર કરવાની ચિમકી આપી
સેંટ ઝેવિયર્સના આચાર્ય દ્વારા ફરિયાદ અપાયા બાદ પોલીસ વિઝિટિંગ પ્રોફેસરની કસ્ટડી માટે વર્ધા પહોંચી
મુંબઇ - દક્ષિણ મુંબઇની સેંટ ઝેવિયર્સ કોલેજમાં ૨૪ નવેમ્બરના રોજ એક નિવૃત્ત શિક્ષિકા અને નવ વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર વ્યવહાર અને કથિત છેડતી કરવાના આરોપસર ગેસ્ટ પ્રોફેસર વિરૃદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. આ ઘટના બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને પોલીસની એક ટીમ તેમને કસ્ટડીમાં લેવા વર્ધા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
સેંટ ઝેવિયર્સ કોલેજના વિદ્યાર્થીઓએ સંસ્થાની આંતરિક ફરિયાદ સમિતિ (આઇસીસી)માં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ અઠવાડિયાની શરૃઆતમાં એક રાષ્ટ્રીય સેમિનાર માટે આમંત્રિત વકતા ડૉ. અનવર દ્વારા જાતીય સતામણી કરવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ત્યાર બાદ કોલેજના આચાર્ય દ્વારા એફઆઇઆર નોંધાવવામાં આવી હતી. જેના પગલે ડૉ. અનવર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
એફઆઇઆર મુજબ નવ વિદ્યાર્થીઓ અને એક નિવૃત્ત શિક્ષકે ડૉ. સિદ્દીકી પર કોલેજના હિન્દી વિભાગ દ્વારા આયોજિત વાર્ષિક ઉત્સવ 'અંતાસ'ના રાષ્ટ્રીય સેમિનાર દરમિયાન જાતીય સતામણી અને આયોગ્ય વર્તનનો આરોપ લગાવ્યો છે. આ ઘટના બાદ ફેસ્ટિવલ માટે કામ ક રતા ઘણા વિદ્યાર્થી અને સ્વયંસેવકોએ ધમકી આપી હતી કે જો તેમની ફરિયાદોને અવગણવામાં આવશે તે તેઓ કાર્યક્રમનો બહિષ્કાર કરશે. આનાથી કોલેજ વહીવટીતંત્રને દરમિયાનગીરી અને પોલીસનો સંપર્ક કરવાની ફરજ પડી હતી.
આ બાબતે વિદ્યાર્થિનીઓએ એવો આરોપ મૂક્યો હતો કે કેમ્પસમાં રહેતા ગેસ્ટ પ્રોફેસરે વિદ્યાર્થિનીઓની સંમતિ વગર તેમના ફોટા પાડયા હતા અને તેમને અયોગ્ય સ્પર્શ કર્યો હતો. આ ઘટના બાદ કોલેજે ગેસ્ટને તેમના સત્રના એક દિવસ પહેલા જ કેમ્પસ છોડી દેવા કહ્યુ ંહતુ અને તેમની યુનિવર્સિટીને પણ તેમની સામે લગાવવામાં આવેલા આરોપોની જાણ કરી હતી. કોલેજે એવો પણ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે કે ભવિષ્યમાં તમામ ગેસ્ટ સ્પીકરનો ભૂતકાળ તપાસવાની પ્રક્રિયા વધુ અસરકારક બનાવાશે.

