ફ્લેટ ખરીદીના સોદામાં નિવૃત્ત પોલીસ અધિકારી સાથે લાખોની છેતરપિંડી

ફ્લેટના દસ્તાવેજોની ફોટોકોપી આપીને ઠગાઈ
નિવૃત્તિ સમયે મળેલા પૈસાથી ઘર ખરીદવાનું સ્વપ્ન ભાંગ્યું
મુંબઈ - મુંબઈ પોલીસના નિવૃત્ત અધિકારીને ફ્લેટ વેચવાની આડમાં રૃ.૯.૫ લાખની છેતરપિંડી કરવાના આરોપસર ચાર વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.
ફરિયાદી વિજય દેશમુખ (ઉ.વ.૬૦)ના જણાવ્યા મુજબ તેમણે ઓક્ટોબર ૨૦૨૨માં પોલીસ વિભાગમાંથી નિવૃત્તિ સમયે મળેલા પૈસાથી ઘર ખરીદવાનું નક્કી કર્યું હતું.
તેઓ ૨૦૨૩માં પ્રવીણ રોગે નામના એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.આરોપીએ રેલ્વે કર્મચારી તરીકે પોતાની ઓળખ આપી હતી.તેમજ સંતોષ ચવ્હાણ અને દિપેશ પાંડિરકર સાથે પ્રોપર્ટી ડીલર તરીકે કામ કરતા હોવાનો દાવો કર્યો હતો.
આરોપી ત્રિપુટીએ દેશમુખને તેમના નજીકના મિત્ર અભિષેક સાળુંખેના ફ્લેટ વિશે જણાવ્યું હતું.તેમણે આરોપી સાથે વાટાઘાટો પછી રૃ.૪૩ લાખમાં ફ્લેટ ખરીદવાનું નક્કી કર્યું હતું.
દેશમુખે કથિત રીતે પ્રવીણ અને તેના સહયોગીઓને ૧૭.૫ લાખ રૃપિયા ચૂકવ્યા હતા.આ ઠગ ટોળકીએ ખાતરી આપી હતી કે ફ્લેટનો કબજો ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં સોંપી દેવામાં આવશે.દેશમુખને દસ્તાવેજોની ફોટોકોપી બતાવવામાં આવી હતી.પરંતુ ક્યારેય મૂળ કાગળો આપવામાં આવ્યા નહોતા.
બાદમાં આરોપી દેશમુખના ફોન ટાળવા લાગ્યો હતો.ત્યારે દેશમુખને શંકા ગઈ અને તેમણે સ્વતંત્ર રીતે ફ્લેટની માલિકીની ચકાસણી કરી હતી. તેમને આશ્ચર્ય થયું કે ફ્લેટ કોઈ બીજા વ્યક્તિનો છે.આ વ્યક્તિ અગાઉ કાપડ મિલમાં કામ કરતો હતો. આથી દેશમુખે પોતાના પૈસા પાછા માંગ્યા હતા.ત્યારે આરોપીએ તેમને ફક્ત આઠ લાખ રૃપિયા પરત કર્યા હતા. જેના પગલે દેશમુખે કાલાચોકી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ચાર આરોપીઓ સામે છેતરપિંડી અને અન્ય કલમ હેઠળ કેસ નોંઘ્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલામાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી અને વધુ તપાસ ચાલુ છે.








