નિવૃત્ત પોલીસ અધિકારી દ્વારા લિફ્ટમાં બાળકીનું જાતીય શોષણ

10 વર્ષ પહેલાં પીઆઈ તરીકે નિવૃત્ત થયા હતા
3જાં ધોરણમાં ભણતી બાળકીને લિફ્ટમાં ખેંચી જઈ દુષ્કૃત્ય આચર્યાનો આરોપ
મુંબઈ - મુંબઈમાં રક્ષક જ ભક્ષક બન્યો હોવાની એક ઘટના બનતા ચકચાર જાગી છે. બોરીવલીમાં કસ્તુરબા માર્ગ પોલીસે નવ વર્ષની બાળકી પર જાતીય હુમલો કરવાના આરોપમાં નિવૃત્ત વૃધ્ધ પોલીસ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. પોલીસ અધિકારી અને માસુમ બાળકી એક જ બિલ્ડિંગમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. બાળકી ત્રીજા ધોરણમાં ભણે છે.
બાળકી સાંજે લિફટ પાસે ઉભી હતી ત્યારે આરોપીએ તેને લિફટમાં ખેંચી લીધી અને તેની સાથે દુષ્કૃત્ય કર્યું હતું. આ બનાવથી છોકરી ડરી ગઈ હતી. તેણે ઘરે જઈને માતાને ઘટનાની જાણ કરી હતી. બાદમાં કસ્તુરબા માર્ગ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવામાાં આવી હતી. તેની વિરુધ્ધ પોકસો એક્ટ સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આરોપી લગભગ ૧૦ વર્ષ પહેલાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થયો હતો. અમે આ કેસની તપાસ કરી રહ્યા છીએ. બિલ્ડિંગ અને લિફટની આસપાસના સીસીટીવી કેમેરા સ્કેન કરવામાં આવી રહ્યા છે. પીડિતાનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ બનાવથી છોકરીઓની સલામતી પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.

