Get The App

નિવૃત્ત બેંક મેનેજર, પરિવારને ડિજીટલ અરેસ્ટ કરીને 2 કરોડની છેતરપિંડી

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
નિવૃત્ત બેંક મેનેજર, પરિવારને   ડિજીટલ અરેસ્ટ કરીને 2 કરોડની છેતરપિંડી 1 - image

35 દિવસ સુધી પરિવારને રુમમાં બંધ રાખ્યો

નકલી સિમકાર્ડ, મની લોન્ડરિંગ કેસના નામે ધરપકડની ધમકી આપીને પૈસા પડાવ્યા 

મુંબઈ -  મુલુંડ પૂર્વમાં સાયબર ફ્રોડસ્ટરોએ ટેલિકોમ વિભાગ, ક્રાઈમ બ્રાન્ચ, સીબીઆઈ અને એક આઈપીએસ અધિકારી તરીકે પોતાને રજૂ કરીને ૬૨ વર્ષીય નિવૃત્ત બેંક મેનેજરને મની લોન્ડરિંગ કેસના નામે તેને અને તેના પરિવારને ૩૫ દિવસ સુધી ડિજીટલ ધરપકડ હેઠળ રાખીને કથિત રીતે રુ. ૧.૮૩ કરોડની ખંડણી રુપે પૈસા પડાવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

સાયબર પોલીસના જણાવ્યા મુજબ, ફરિયાદી ૬૨ વર્ષીય અશોક સાલ્વી મુલુંડ પૂર્વના રહેવાસી છે અને રાષ્ટ્રીયકૃત બેંકમાંથી મેનેજર તરીકે નિવૃત્ત થયા હતા. ૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સાલ્વીને એક મહિલાનો ફોન આવ્યો હતો, જેણે દાવો કર્યો હતો કે તેમના નામે નકલી સિમ કાર્ડ જારી કરવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ ઘાટકોપર વિસ્તારમાં ગેરકાયદે સંદેશા મોકલવા માટે થઈ રહ્યો છે.

વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ આ કોલ કથિત રીતે ક્રાઈમ બ્રાન્ચ અને પછી સીબીઆઈના અધિકારીઓ તરીકે ઓળખાતા શખ્સોને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સાયબર ફ્રોડસ્ટરોમાંથી એકે પોતાને આઈપીએસ અધિકારી જય ચૌગુલે તરીકે ઓળખાવ્યો હતો અને દાવો કર્યો હતો કે ફરિયાદીનો આધાર નંબર રુ. બે કરોડના મની લોન્ડરિંગ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી ગુનાહિત યાદીમાં સામેલ છે. 

ફરિયાદીને વિશ્વાસ અપાવવા માટે આરોપીઓએ સુપ્રીમ કોર્ટ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ઈડી)ના નામ અને લોગો ધરાવતા બનાવટી દસ્તાવેજો તેમને મોકલ્યા હતા. આ બાદ આરોપીઓએ ફરિયાદી અને તેના પરિવારને ચેતવણી આપી હતી કે તપાસ ટોપ સિક્રેટ છે અને જો તેઓ આ બાબત કોઈને જણાવશે તો તાત્કાલિક ધરપકડ કરવાની ધમકી આપી હતી.

આ બાદ તપાસના નામે ગુનેગારોએ ફરિયાદી, તેની પત્ની અને પુત્રીને તેમના ઘરના એક રુમમાં બંધ રહેવા અને દર બે કલાકે રિપોર્ટ કરવાની સૂચના આપી હતી. ૧૪ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી દરમિયાન, પીડિતાએ છેતરપિંડી કરનારાઓના નિર્દેશ મુજબ, અનેક બેંક ખાતાઓમાં રુ. ૧.૮૩ કરોડ ટ્રાન્સફર કર્યા હતા.

પૈસા આપવા માટે પરિવારે ફિકસ્ડ ડિપોઝીટ તોડી નાખી હતી અને સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા અને ભંડોળની વ્યવસ્થા કરવા માટે શેર પણ વેચી દીધા હતા.  ૧૧ ફેબુ્રઆરીના રોજ, છેતરપિંડી કરનારાઓના બધા ફોન અચાનક બંધ થઈ ગયા હતા. ત્યારે જ પરિવારને ખ્યાલ આવ્યો હતો કે તેઓ એક મોટા સાયબર કૌભાંડનો ભોગ બન્યા છે.  ફરિયાદીએ આ બાદ ૧૮ ફેબુ્રઆરીના રોજ સાયબર હેલ્પલાઈન પર સંપર્ક કરીને આ મામલે ફરિયાદ નોંધાવી હતી.  પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.