Get The App

રક્તપિત્ત વિશેનો અહેવાલ બે સપ્તાહમાં ફરજિયાત રજૂ કરવો પડશે

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
રક્તપિત્ત વિશેનો અહેવાલ બે સપ્તાહમાં  ફરજિયાત રજૂ કરવો પડશે 1 - image

સરકારી-ખાનગી હોસ્પિટલ રાજ્ય સરકારનો કડક આદેશ

રાજ્યને ૨૦૨૭ના અંત સુધીમાં રક્તપિત્ત મુક્ત કરવાનો હેતુ ઃ  સમયસર યોગ્ય સારવારથી દરદી સાજો થઇ શકે છે 

મુંબઇ-  મહારાષ્ટ્ર સરકારે રક્તપિત્ત(કોઢ) રોગના નિદાન સંબંધી  દરેક  કેસનો  તબીબી  અહેવાલ રજૂ કરવા તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલના ડોક્ટરોને સૂચના આપી છે.  ડોક્ટરોએ રક્તપિત્ત સંબંધી અહેવાલ બે  સપ્તાહમાં  ફરજિયાત રજૂ કરવાનો રહેશે. 

  મહારાષ્ટ્ર સરકારે રક્તપિત્તને નોટિફિએબલ ડિસિઝ(જે રોગના નિદાન  સંબંધી તબીબી અહેવાલ સરકારના આરોગ્ય ખાતાને ફરજિયાત આપવો પડે તેવા રોગ. ટીબી,કોલેરા, કોવિડ-૧૯ શ્રેણીના રોગ છે)  જાહેર કર્યો છે. સરકારે  મહારાષ્ટ્રને  ૨૦૨૭ના અંત સુધીમાં  રક્તપિત્ત મુક્ત રાજ્ય બનાવવાના હેતુથી આ નિર્ણય જાહેર કર્યો છે. 

મહારાષ્ટ્ર સરકારાના આરોગ્ય વિભાગનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે રાજ્યમાં રક્તપિત્ત રોગ   વિશે જરૃરી બધી માહિતી મળે, આ રોગ રાજ્યના કયા કયા હિસ્સામાં ફેલાયો છે, રોગના કેસની સંખ્યા  અને  તેની સારવાર સંબંધી માહિતી મળે તેવો હેતુસર આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

 જે કોઇ દરદીને રક્તપિત્ત રોગ થયો છે તેનું નિદાન નિશ્ચિત થાય એટલે  તેનો અહેવાલ જિલ્લાના આરોગ્ય અધિકારીને, આસિસ્ટન્ટ ડાયરેક્ટર(હેલ્થ  સર્વિસ -- લેપ્રસી),  સ્થાનિક  નગરપાલિકાના આરોગ્ય વિભાગને  ફરજિયાત  આપવાનો રહેશે. આવી સચોટ વ્યવસ્થાથી રક્તપિત્તની બીમારીની બધી માહિતી મળી શકશે.સાથોસાથ સંબંધિત દરદીની સમયસરની યોગ્ય  સારવાર, આ રોગ સમાજમાં ન ફેલાય તેવી તબીબી વ્યવસ્થા વગેરે માહિતી પણ મળશે. 

આરોગ્ય  વિભાગનાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે  ૨૦૨૫ના સપ્ટેમ્બર સુધી મહારાષ્ટ્રમાં રક્તપિત્તનાં ૭,૮૬૩ કેસ નોંધાયા  છે. હાલ રાજ્યમાં કુલ ૧૩,૦૧૦  દરદીઓને સારવાર મળી રહી છે.  વળી,  રક્તપિત્ત રોગનો દરદી   યોગ્ય અને સમયસરની  સારવારથી સંપૂર્ણ સાજોનરવો પણ થઇ શકે છે. એટલે કે  રક્તપિત્ત વિશેનું નિદાન શરૃઆતના  તબક્કે થઇ જાય તો દરદી સંપૂર્ણ સાજો થઇ શકે છે.