મહારાષ્ટ્રના સામાજિક ન્યાય પ્રધાન ધનંજય મુંડેને બ્લેકમેલ કરી ખંડણી માગનારી રેણુ શર્માની ધરપકડ
મુંડએ અગાઉ રેણુની બહેન કરુણા સાથેના સંબંધો સ્વીકાર્યા હતા
બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી પાંચ કરોડ રૃપિયા અને રૃા. પાંચ કરોડની દુકાન માગી
મુંબઇ : એનસીપી નેતા અને રાજ્યના સામાજિક ન્યાય પ્રધાન ધનંજય મુંડેને બ્લેકમેલ કરી ખંડણી માગનારી મહિલા રેણુ શર્માને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ અને ઇંદોર પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી ઝડપી લીધી છે. બળાત્કારના કેસમાં ફસાવવાની અને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની મહિલાએ ધમકી આપી હતી. કોર્ટે આ ચાલબાજ આરોપીને ત્રણ દિવસની પોલીસ કસ્ટડી આપી છે.
આરોપી રેણુ શર્મા મધ્ય પ્રદેશના ઇન્દોરની વતની છે અને કરુણા શર્માની બહેન છે. આ મામલે ધનંજય મુંડેએ મુંબઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ગત વર્ષે ફક્ત એક કાગળ પોલીસને સોંપતા તમારું મંત્રી પદ જોખમમાં મૂકાઇ ગયું હતું. પણ હવે મારા પર બળાત્કાર કર્યો હોવાની પોલીસમાં ફરિયાદ કરી સોશિયલ મીડિયામાં બદનામ કરીશ. આમ તમને મંત્રીપદ ગુમાવવું પડશે આ તમામ બાબતથી બચવા માટે પાંચ કરોડ રૃપિયા અને પાંચ કરોડ રૃપિયાની કિંમતની દુકાન ખરીદીને આપવી પડશે. આવી ધમકી આપી રેણુ શર્મા બ્લેકમેલ કરતી હોવાનો આરોપ ધનંજય મુંડેએ કર્યો હતો. આ ઉપરાંત મુંડેએ સંબંધિત પુરાવા પણ આપ્યા હતા.
ગયા વર્ષે જાન્યુઆરીમાં ધનંજય મુંડે પર રેણુ શર્માએ બલાત્કારનો આરોપ લગાવ્યો હતો જો કે થોડા જ દિવસમાં તેણે ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. ત્યારથી રેણુ શર્મા પૈસાની માગણી કરતા મેસેજ વોટ્સએપ અને ફોન કોલ કરવા માટે વિદેશી નંબરનો ઉપયોગ કરતી હતી.
આરોપી રેણુ શર્માએ અન્ય વ્યક્તિને પણ બ્લેકમેલ કર્યા હોવાનું કહેવાય છે. તેની સામે કેસ પણ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનિય છે કે આરોપી રેણુ શર્માની બહેન કરુણાશર્માએ પણ અગાઉ ધનંજય મુંડે પર ગંભીરઆરોપ કર્યા હતા. તે સમયે ધનંજયમુંડેએ જણાવ્યું હતું કે 'હું કરુણા શર્મા સાથે એકબીજાની સહમતિથી સંબંધમાં છું. મારા પરિવાર, પત્ની અને મિત્રોને આની જાણ હતી. અમારી પરસ્પર સંમતિથી એક પુત્ર, એક પુત્રીનો જન્મ થયો હતો. મેં બંને સંતાનને મારુ નામ આપ્યું છે. શાળાના પ્રમાણપત્ર અને તમામ દસ્તાવેજોમાં આ બાળકો સાથે મારુ નામ છે. મારા પરિવાર, પત્ની મારા બાળકોએ પણ તેમને પરિવારના સભ્યો તરીકે સ્વીકાર્યા છે. મેં તેમને મુંબઇમાં ફ્લેટ મેળવવામાં મદદ કરી છે. મે તેને વીમા પોલીસી અને તેમના ભાઇને વ્યવસાયમાં મદદ કરી છે.