Get The App

આધાર વેરિફિકેશનમાં ખામીથી ભાડાં કરારની નોંધણી 5 દિવસથી ઠપ

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
આધાર વેરિફિકેશનમાં ખામીથી ભાડાં કરારની નોંધણી 5 દિવસથી ઠપ 1 - image

હજારો ભાડુઆતો તથા મકાનમાલિકો કરાર વિના અટવાઈ ગયા 

દરરોજના સામાન્યપણે થતાં ચારથી પાંચ હજાર રજીસ્ટ્રેશન અટકી પડયાં; છેલ્લાં કેટલાંક વર્ષોથી ડિસેમ્બરમાં આવી સમસ્યા સર્જાય છે

મુંબઈ -  આધાર (યુઆઈડી) વેરિફિકેશન સર્વિસમાં વિક્ષેપને કારણે મહારાષ્ટ્રમાં ભાડા કરારોની ઓનલાઈન નોંધણી છેલ્લાં પાંચ દિવસથી સ્થગિત થઈ ગઈ છે. ટેક્નિકલ ખામીને લીધે દરરોજ હજારો રજીસ્ટ્રેશનમાં વિલંબ થઈ રહ્યો છે. પરિણામે નાગરિકોને અસુવિધા થઈ રહી છે અને રાજ્ય સરકારની આવક અટકી ગઈ છે.

રજીસ્ટ્રેશન  એન્ડ સ્ટેમ્પ ડિપાર્ટમેન્ટની ઓનલાઈન સિસ્ટમ આધાર પ્રમાણીકરણ પર આધારિત છે. જોકે ટેક્નિકલ ખામીને લીધે વેરિફિકેશન પ્રક્રિયા અટકી જતાં ભાડા કરારની નોંધણીને ભારે અસર થઈ છે. તેના કારણે હજારો મકાન માલિકો તથા ભાડુઆતો અટવાઈ ગયા છે. ભાડાં કરારની નોંધણી થાય તે પછી તેના આધારે જ પોલીસને ભાડુઆતની માહિતી મોકલી શકાય છે. મુંબઈ જેવાં શહેરોમાં અનેક હાઉસિંગ સોસાયટીઓ રજિસ્ટર્ડ ભાડાં કરાર અને પોલીસ વેરિફિકેશન લેટર સિવાય ભાડુઆતને સોસાયટીમાં દાખલ જ થવા  દેતી નથી. અનેક લોકોને ભાડાં કરારના આધારે અનેક સરકારી દસ્તાવેજોમાં સરનામાં પરિવર્તન સહિતની કામગીરીઓ પૂરી કરવાની હોય છે. આ બધા લોકો હાલ અટવાઈ ગયા છે. 

આધાર વેરિફિકેશનની રિક્વેસ્ટ મુંબઈ સ્થિત ડિરેક્ટોરેટ ઓફ ઈન્ફર્મેશન ટેક્નોલોજી (ડીઆઈટી) દ્વારા મોકલવામાં આવે છેે. જે યુનિટ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ) સાથે સંકલન કરે છે. સફળ વેરિફિકેશન બાદ જ ભાડા કરાર નોંધાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વેરિફિકેશન ચેન હાલમાં ખોરવાઈ ગઈ છે.

વિભાગનું પોર્ટલ ઓનલાઈન પેમેન્ટ માટે ગ્રાસ સિસ્ટમ અને આધાર વેરિફિકેશન માટે યુઆઈડીએઆઈ સિસ્ટમ સાથે સંકળાયેલ  છે. જેમાં ડીઆઈટી એ મધ્યસ્થી તરીકે કાર્ય કરે છે. સામાન્ય રીતે, અંગૂઠાની છાપ લઈ ચકાસણી તરત પૂર્ણ થાય છે અને કરાર દસ્તાવેજ પર વેરિફિકેશન કોડ અને આધાર ફોટોગ્રાફ છાપવામાં આવે છે. આ સિસ્ટમ માટે વાર્ષિક લાઈસન્સ રિન્યુઅલની જરુર હોય છે અને આ સમયગાળા દરમ્યાન ઘણીવાર ટેક્નિકલ સમસ્યાઓ સર્જાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં દર ડિસેમ્બર મહિને આવી સમસ્યાઓ નોંધાઈ છે, જ્યાં પોર્ટલ બે અઠવાડિયા સુધી બંધ રહેતી હોવાનું જોવાયું છે.

એસોસિએશન ઓફ સર્વિસ પ્રોવાઈડર્સ, મહારાષ્ટ્ર અનુસાર, મુંબઈ અને પુણે ગ્રામીણ વિસ્તારોને બાદ કરતાં, સિસ્ટમ દ્વારા દરરોજ  લગભગ ૪૦૦૦-૫૦૦૦ ભાડા કરાર નોંધાય છે. વેરિફિકેશન ફેલ થવાને લીધે આ તમામ વ્યવહારો હાલ અટકી પડયા છે. વારંવારના વિક્ષેપને લીધે સરકારી આવકને પણ અસર થાય છે અને મકાનમાલિકો, ભાડૂઆતો, એજન્ટો, સર્વિસ પ્રોવાઈડર્સ બધાં મુશ્કેલીમાં મુકાય છે.