Get The App

પહલગામ એટેકમાં મૃતકના સ્વજનને સરકારી નોકરીની વાત ભૂલાઈ ગઈ

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
પહલગામ એટેકમાં મૃતકના સ્વજનને સરકારી નોકરીની વાત ભૂલાઈ ગઈ 1 - image

પુણેના પર્યટક સંતોષ જગદાળેની હત્યા થઈ હતી 

મહારાષ્ટ્ર સરકારે આપેલું વચન પાળ્યું નહીં ઃ દસ મહિના વીતી ગયાઃ હવે  પરિવાર આર્થિક ભીંસમા

મુંબઇ  -  પહલગામના ખોફનાક  ટેરરિસ્ટ અટેકનો ભોગ બનેલા પુણેના સંતોષ જગદાળેની પુત્રી આશાવરીને આ ઘટનાને દસ મહિના વિત્યા છતાં સરકારી નોકરી આપવાનું વચન મહારાષ્ટ્ર સરકારે પાળ્યું નથી.

ગયા  વર્ષે ૨૨મી એપ્રિલે કાશ્મીરના પહલગામ હુમલામાં ૨૬ ટુરિસ્ટોને  આતંકવાદીઓએ ઠાર કર્યા હતા એમાં સંતોષ જગદાળેનો સમાવેશ થતો હતો. આ દર્દનાક ઘટનાને દસ વર્ષ વિત્યા છતાં મૃતકની પુત્રી આશાવરીને સરકારી નોકરી મળી નથી.

આશાવરીએ આજે પુણેમાં પોતાની વ્યથા વ્યક્ત કરતા ભાજપના નેતા નવનાથ બાને તેને ખાતરીઆપી હતી કે જે વિલંબ થયો છે એ વિશે તેઓ સીધી મુખ્ય પ્રધાન  દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ રજુઆત કરશે.

પહલગામ હુમલાનો ભોગ બનેલા મહારાષ્ટ્રના છ નાગરિકોને રાજ્ય સરકાર તરફથી ૫૦ લાખનું વળતર જાહેર કરવામાં આવ્યું હતું અને મૃતકના પરિવારની એક વ્યક્તિને સરકારી નોકરી અપાશે એવી ખાતરી આપવામાં આવી હતી.

આશાવરી જગદાળેએ વ્યથિત સ્વરમાં જણાવ્યું હતું કે મારા પિતાના મૃત્યુ પછી અમે આર્થિક સંકડામણ  ભોગવી રહ્યા છીએ. ધીમે ધીમે બચત પણ વપરાવા માંડી છે. દસ મહિના વિત્યા છતાં સરકારી નોકરી આપવામાં નથી આવી. રાજ્યસભાના સાંસદ મેઘા કુલકર્ણીએ કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહને આ બાબતમાં લેખિત જાણ કરી છે. રાજ્ય સરકારે નોકરીની ખાતરી આપેલી તેનું હજી પાલન નથી થયું એ જણાવ્યું છે. સરકારી જોબ મળે તો અમારી આર્થિક મુશ્કેલી દૂર થાય. એટલે  હું સરકારને વિનંતી કરૃં છું કે વહેલામાં વહેલી તકે નોકરી આપવામાં આવે.

મહારાષ્ટ્ર ભાજપના મિડિયા ઇન-ચાર્જ નવનાથ બાને પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપ પહેલગામ હુમલાનો ભોગ બનેલા જગદાળે તેમ જ અન્ય સહુના પરિવારજનોને મદદરૃપ થવા સદાય તત્પર છે. હું ખાતરી આપું છું કે હું મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને પક્ષની નેતાગીરી સમક્ષ અંગત રસ લઇને આશાવરી જગદાળેની બાબતે રજૂઆત કરીશ ફડણવીસ સંવેદનશીલ નેતા છે અને તરત જ ન્યાય અપાવશે.