પ્રજાના પૈસે ટિપુ સુલતાન ચોક બનાવી દેનારા નેતા સામેનો ગુનો રદ કરવા ઈનકાર
એઆઈએમઆઈએમના માજી ધારાસભ્ય ફારુક શાહને હાઈકોર્ટમાંથી રાહત ન મળી
કાયદાકીય પ્રક્રિયા વિના કોઈ ધારાસભ્ય આવી એકતરફી રીતે નામકરણ કરી જનતાના પૈસા વેડફી ન શકેઃ કોર્ટ
મુંબઈ - જનતાના પૈસે ટિપુ સુલ્તાનની સ્મૃતિમાં ગેરકાયદે જાહેર ચોક બનાવીને ટિપુ સુલ્તાન ચોક નામ આપવા બદલ એઆઈએમઆઈએમના ભૂતપૂર્વ ધારાસભ્ય ફારુખ શાહ સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે ઈનકાર કર્યો છે.
કાયદામાં પ્રસ્થાપિત પ્રક્રિયાનું ઉલ્લંઘન કરીને જાહેર સ્થળને એક ધારાસભ્ય એકતરફી નામકરણ કરી શકે નહીં.
જાહેર ચોક, રસ્તો કે કોઈ સ્થાનને ધારાસભ્ય પોતાની રીતે નામ આપી શકે નહીં. રાજ્ય મહાપાલિકા કાયદા તેમ જ મહાનગર પાલિકા કાયદા હેઠળ પ્રક્રિયા છે જેમાં સંબંધીત ઓથોરિટી જેમ કે સામાન્યસભા સમક્ષ પ્રસ્તાવ મૂકવાનો હોય છે જેમાં જનપ્રતિનિધિઓનો મત લેવાય છે, એમ કોર્ટે જણાવ્યું હતું.
શાહ સામેનો કેસ જૂન ૨૦૨૩માં નોંધાયો હતો. સામનાજિક કાર્યકર્તા અને વકિલ રોહિત ચાંડોેલેએ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે શાહે ધૂળેમાં એક પ્લેટફોર્મ બનાવ્યું છે અને તેને ટિપુ સુલ્તાન નામ આપ્યું છે જેના માટે પાલિકાની પરવાનગી લેવાઈ નથી અને બે કોમ વચ્ચે નફરત ઊભી થાય છે. શાહ જનતાના પૈસાનો દુરુપયોગ કર્યાનો પણ આરોપ ફરિયાદમાં કરાયો હતો.
શાહે દલીલ કરી હતી કે ફરિયાદ રાજકીય હિતથી પ્રેરીત છે. ટિપુ સુલ્તાન ઐતિહાસિક પાત્ર છે અને સ્વતંત્રતાના લડવૈયા છે તેમનું નામ આપવુ ગેરકાયદે નથી અને કોમી તણાવ ઊભો થાતો નથી. મહિનાઓ બાદ ફરિયાદીએ ભ્રષ્ટાચારનો આરોપ ઉમેર્યો હોવાની વાત કહીને કેસની સત્યતા પર સવાલ કર્યો હતો. ફરિયાદી પક્ષે સવાલ કર્યો હતો કે ભ્રષ્ટાચારના નિવેદનની નકલ શાહને અપાઈ નથી તો તેમને મળી કઈ રીતે. આથી કોર્ટે પણ આ બાબતે તપાસનો આદેશ આપ્યો હતો. આવી પ્રવૃત્તિની અમે ટીકા કરીએ છીએ.
શંકાસ્પદ રીતે મેળવાયેલા દસ્તાવેજને રજૂ કરવા વકિલ માટે અયોગ્ય છે અને દસ્તાવેજ તેના અસીલ પાસે કાયેદસર આવ્યા છે કે નહીં તે તપાસવાનું વકિલનું કામ છે અમે કોર્ટે નોધ્યું હતું.
મંચ શાહના સંબંધીની દેખરેખમાં બન્યું હતું અને હવે આ મંચ તોડી પાડવામાં આવ્યું છે. શાહે ગેરકાયદે બાંધકામ અટકાવવાનો પ્રયાસ પણ કર્યો નહોતો.
શાહે ઐતિહાસિક પાત્ર વિનાયક સાવરકર અને છત્રપતિ શિવાજી મહારાજ વિશે સોશ્યલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ પણ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આથી તપાસ હજી ચાલુ હોવાનું નોંધીને કોર્ટે અરજી નકારી હતી.