આંધ્ર પ્રદેશના બેડગી મરચાંની આવક ઘટી
400 થી 600 રૃપિયે કિલો વેંચાય છે, હજુ 800 રુપિયે ભાવ જવાની ધારણા
મુંબઈ - આંધ્ર પ્રદેશથી બેડગી મરચાંની આવક ઘટતાંની સાથે જ મુંબઈની બજારમાં લાલ મરચાંની કિંમતમાં લાલચોળ વધારો થયો છે. આને કારણે ગૃહિણીઓનું કિચન બજેટ હચમચી ગયું છે.
આંધ્ર પ્રદેશમા ં ગયા વર્ષે કુદરતી આફત, અતિવૃષ્ટિ અને અમુક વિસ્તારમાં ઓછા વરસાદને લીધે દુકાળ જેવી સ્થિતિને કારણે બેડગી મરચાંનું ઉત્પાદન ઘટયું હતું. આથી મુંબઈ બજારમાં બેડગી મરચાંની આવક ઘટી ગઈ છે. પરિણામે મરચાંનો ભાવ ૪૦૦થી ૬૦૦ રૃપિયા કિલો પર પહોંચ્યો છે.
માર્કેટના સૂત્રોના જણાવ્યા મુજબ ગયા વર્ષે બેડગી મરચાંનો ભાવ ૩૦૦થી ૩૫૦ રૃપિયે કિલો હતો. એટલે એમ કહી શકાય કે મરચાંની કિંમતમાં લગભગ બમણો વધારો થયો છે. વેપારીઓનું માનવું છે કે ભાવ હજી વધીને ૮૦૦ રૃપિયા સુધી પહોંચે તો કહેવાય નહીં.
રસોઈમાં મરચું અનિવાર્ય છે. ઉપરાંત અથાણાં બનાવવામાં પણ બેડગી મરચાંનો ભરપૂર ઉપયોગ થાય છે, પરંતુ ભાવવધારાને લીધે લોકો પ્રમાણમાં સસ્તા મરચાંનો વિકલ્પ પસંદ કરવા લાગ્યા છે.


