Get The App

મુંબઇમાં આજે રેડ એલર્ટ : ગાજવીજ,તોફાની પવનનું જબરું ત્રેખડ સર્જાવાનો વરતારો

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઇમાં આજે રેડ એલર્ટ : ગાજવીજ,તોફાની પવનનું જબરું ત્રેખડ સર્જાવાનો વરતારો 1 - image


- મહારાષ્ટ્રમાં છ સ્થળોએ રેડ એલર્ટ,જ્યારે છ સ્થળોએ ઓરેન્જ એલર્ટ જારી 

- આવતા 48 કલાક માટે  થાણે,પાલઘર, રાયગઢ, પુણે ઘાટ, નાશિક ઘાટ, સાતારા ઘાટ પ્રદેશમાં પણ રેડ- ઓરેન્જ એલર્ટ 

મુંબઇ : મુંબઇમાં આવતીકાલે રવિવારે, ૨૮, ૨૯- સપ્ટેમ્બરે  બેસુમાર વરસાદ, મેઘગર્જના, વીજળીના પ્રચંડ ચમકારા, પવનના જબરા સૂસવાટાનું  ત્રેખડ સર્જાય તેવાં ભારે તોફાની કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે. સાથોસાથ આવો જ ગાંડોતૂર મેઘાડંબર  આવતીકાલે  ૨૮,૨૯-  સપ્ટેમ્બરે નજીકનાં થાણે, પાલઘર સહિત રાયગઢથી લઇને મધ્ય મહારાષ્ટ્રમાં  પણ સર્જાય તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે. 

હવામાનનો આવો તોફાની મિજાજ પારખીને હવામાન વિભાગે આવતીકાલે, રવિવારે,૨૮ મુંબઇ,થાણે, પાલઘર, રાયગઢ, નાશિક ઘાટ પ્રદેશ, પુણે ઘાટ પ્રદેશ  એમ છ  સ્થળ  માટે રેડ એલર્ટ જારી કરી છે. સાથોસાથ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, નાશિક,કોલ્હાપુર, સાતારા,છત્રપતિ સંભાજીનગર એમ છ સ્થળોએ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે. 

પાલઘર માટે તો ૨૯, સપ્ટેમ્બરે પણ રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. 

કોઇપણ સ્થળે ૨૪ કલાક દરમિયાન ૨૦૦ મિલિમીટર અથવા ૨૦૦ મિલિમીટર કરતાં પણ વધુ વરસાદ વરસવાનો સંકેત મળે ત્યારે જ તે સ્થળ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવે છે. 

ઉપરાંત, ૨૯, સપ્ટેમ્બરે પણ મુંબઇ સહિત થાણે, રાયગઢ, રત્નાગિરિ, નાશિક,  કોલ્હાપુર   એમ  છ સ્થળ માટે ઓરેન્જ એલર્ટ  જારી કરી છે.આમ  મુંબઇનું આકાશ  હજી આવતા ચાર દિવસ (૨૮થી૩૦- સપ્ટે.-૧, ઓક્ટોબર) રસતરબોળ વરસ તેવો વરતારો છે.  

આજે  હવામાન વિભાગે મુંબઇ માટે ઓરેન્જ એલર્ટ જારી કરી હતી. જોકે મેઘરાજાએ એવો મિજાજ બતાવ્યો નહોતો. આમ છતાં  આજે  સવારથી જ  રાત સુધી મુંબઇનું ગગન વાદળિયું રહ્યું હતું. આજે સવારે શહેરનાં પૂર્વનાં અને પશ્ચિમનાં પરાંમાં વરસાદ પણ વરસ્યો હોવાના સમાચાર મળે છે.

આજે સાંજના સાત સુધીમાં કોલાબામાં ૯.૬ મિ.મિ. જ્યારે સાંતાક્રૂઝમાં ૨૨.૪ મિ.મિ. વર્ષા નોધાઇ હતી. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.  

હવામાન વિભાગે તો ચેતવણી સૂચક એવો વરતારો પણ આપ્યોછે કે હજી આવતા ૪૮ કલાક દરમિયાન મરાઠવાડાનાં છત્રપતિ સંભાજીનગર, જાલના,બીડ, પરભણી, ધારાશિવ વગેરેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે.  જ્યારે વિદર્ભના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે મધ્યમથી ભારે વર્ષા થવાની શક્યતા છે. 

હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)નાં સિનિયર વિજ્ઞાાની સુષમા નાયરે ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે હાલ  ચોમાસુ મરાઠવાડામાં ભારે તોફાની બન્યું છે. સાથોસાથ, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ અતિ સક્રિય બન્યું છે.

બીજીબાજુ પશ્ચિમ બંગાળના ઉપસાગર ઉપર સર્જાયેલા હવાના હળવા દબાણના કેન્દ્રે( લો -પ્રેશર) આજે ડિપ્રેશનનું સ્વરૂપ ધારણ કર્યું છે.આ ડિપ્રેશન આજે ૨૭, સપ્ટેમ્બરે ઓડિશાથી પશ્ચિમ ભણી સરક્યું છે. જોકે આ ડિપ્રેશન આવતા ૨૪ કલાક દરમિયાન  મંદ થઇને લો -પ્રેશરમાં ફેરવાઇ જાય તેવી સંભાવના છે. ઉપરાંત, આ ડિપ્રેશન સાથોસાથ, ઓડિશાથી તેલંગણા થઇને ગોવા સુધીના આકાશમાં ૩.૧થી ૪.૫ કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો પટ્ટો(ટ્રફ) પણ સર્જાયો છે.

આવાં ભારે તોફાની કુદરતી પરિબળોની વ્યાપક અસરથી મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં હજી આવતા ચાર દિવસ(૨૮થી ૩૦ -સપ્ટે.--૧, ઓક્ટોબર) દરમિયાન ગાજવીજ અને તોફાની પવન સાથે  બેસુમાર વરસાદ વરસે તેવો જબરો મેઘાડંબર જામ્યો છે. 

Tags :