પર્યુષણમાં 1 જ દિવસ કતલખાના બંધનો રાખવાના નિર્ણયનો ફેરવિચાર કરોઃ હાઈકોર્ટ
મુંબઈમાં અમદાવાદ કરતાં વધુ જૈન વસતી છે તેવી કોર્ટમાં દલીલ
મુંબઈમહાપાલિકાના ગયા વર્ષના એક દિવસની બંધીના આદેશને પડકારતી જૈન ટ્રસ્ટોની અરજીમાં નિર્દેશ
મુંબઈ - બોમ્બે હાઈકોર્ટે સોમવારે મુંબઈ મહાપાલિકાને જૈન પર્યુષણ પર્વ દરમ્યાન એક દિવસ માટે કતલખાના બંધ રાખવાના તેના નિર્ણય પર ફેરવિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
મુખ્ય ન્યાયમૂર્તિ આલોક આરાધે અને ન્યા. સંદીપ મારણે સમક્ષ ગયા વર્ષે જૈન ટ્રસ્ટો શેઠ મોતીશા લાલબાગ જૈન ચેરિટીઝ અને શેઠ ભેરુલાલજી કનૈયાલાલજી કોઠારી ધાર્મિક ટ્રસ્ટ દ્વારા મુુંબઈ મહાપાલિકાએ ૩૦ ઓગસ્ટ ૦૨૪ના રોજ જારી કરેલા નિર્ણયને પડકારીને કરેલી અરજીની સુનાવણી થઈ રહી હતી.
અરજીમાં વિનંતી કરાઈ હતી કે પર્યુષણના ૯ દિવસના ગાળા માટે કતલખાનાઓ બંધ રાખવામાં આવે. ટ્રસ્ટ વતી વરિષ્ઠ વકિલ દારિયસ ખંભાતાએ દલીલમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પણ નવ દિવસના બંધને વાજબી માન્યો હતો અને પ્રાણીઓના કતલમાં સંકળાયેલી વ્યક્તિના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન નહોવાનું સુપ્રીમેે ઠેરવીને લઘુમતી સમુદાયની લાગણીનું સન્માન કરવું જોઈએએમ જણાવ્યું હતું. મુંબઈ મહાપાલિકાએ નિર્ણય લેતી વખતે સુપ્રીમ કોર્ટના ઉક્ત ચુકાદામાં જણાવેલા નિરીક્ષણને ધ્યાનમાં લીધું નથી.
મહારાષ્ટ્રમાં જૈનોની વસતિ ગુજરાત કરતાં વધુ છે, બીજા ટ્રસ્ટ વતી વકિલ અભિનવ ચંદ્રચૂડે દલીલ કરી હતી કે ૨૦૧૧ની વસતિ ગણતરી મુજબ મહારાષ્ટ્રમાં ૧૪ લાખ જૈનો અને ગુજરાતમાં ૫.૭ લાખ જૈનો હતા.
ખંભાતાએ ઉમેર્યું હતું કે મુંબઈમાં ૫.૩૮ ટકા વસતિ અને અમદાવાદમાં ૩.૬૪ ટકા વસતિ જૈનોની છે. તેમણે જણાવ્યા મુજબ આ મહત્ત્વપૂર્ણ બાબતોને મહાપાલિકાએ ધ્યાનમાં લીધી નથી. વધુમાં પુણે કે નાશિક મહાપાલિકાઓને તેમના જવાબોમાં પર્યુષણ પર્વના સમગ્ર ગાળા માટે બંધ ન રાખવાનું કારણ આપ્યું નથી.
સરકારી વકીલ વતી કોર્ટને જાણ કરવામાં આવી હતી કે રાજ્ય સરકારે વર્ષમાં ૧૫ દિવસ કતલ પર બંધી મૂકવાની સૂચના આપી છે, જેમાં પર્યુષણ પર્વનો એક દિવસ સામેલ છે.
કેસના તથ્યને ધ્યાનમાં રાખીને પાલિકાઓને નિર્ણય પર ફેરવિચાર કરવા માટે કહી શકીએ છીએ. પર્યુષણ ૨૦ ઓગસ્ટથી શરૃ થતા હોઈ કોર્ટે આ મુદ્દે ટ્રસ્ટની રજૂઆત પર નિર્ણય લેવા અને ૧૮ ઓગસ્ટ સુધીમાં નિર્ણય જણાવવાનો આદેશ આપ્યો છે. આવી જ રીતે નાશિક, પુણે મહાપાલિકાએ પણ નિર્ણય લેવાનો રહેશે એમ જણાવીને અરજીનો નિકાલ કર્યો હતો પણ તેના તથ્ય પર કોઈ મંતવ્ય વ્યક્ત કર્યું નહોવાનું સ્પષ્ટ કર્યું હતું.