બેંક રજાઓ,અફવાઆને લીધે પણ નાના પંપો પર ભીડ
અગાઉ ડીલરોને ફ્યુઅલ ઉધાર મળતું હવે સંપૂર્ણ રકમ કંપનીમાં જમા કરાવે તે પછી જ ઓર્ડર મંગાવી શકે છે
મુંબઇ - પેટ્રોલ પંપો પર ફ્યુલનો જથ્થો પૂરો થઇ જવા પાછળનું કારણ શોર્ટેજ નથી પણ ઓઇલ કંપની અને પેટ્રોલપંપ વચ્ચેના પેમેન્ટની પદ્ધતિમાં ફેરફાર છે તેવું એક સ્ત્રોતે જણાવ્યું હતું. વેસ્ટ એશિયા સંઘર્ષ કટોકટી ગંભીર બની તે અગાઉ ડીલરોને ફ્યુલ એક કે બે દિવસ માટે ઉધાર મળતું હતું. હવે તેવી વ્યવસ્થા બંધ કરાઇ છે અન ડીલર સંપૂર્ણ રકમ કંપનીમાં જમા કરાવે તે પછી જ ઓર્ડર મંગાવી શકે છે. આમા સમય જઇ શકે છે અને બેંકની રજા દરમિયાન પેમેન્ટ જમા કરાવવાની મુશ્કેલી વધી છે.
માર્ચના અંતિમ સપ્તાહમાં મુશ્કેલી વધી ગંભીર બનશે. આગામી દિવસોમાં જાહેર રજા અને બેંક ક્લોઝિંગ માટે એક દિવસ કામકાજ બંધ રહેશે. આ બધુ વિચારીને ઘણા વાહનચાલકો પેટ્રોલ/ ડીઝલ પૂરેપૂરી ક્ષમતાથી ભરાવી રહ્યા છે.
રિફાઇનરીઓનું કામકાજ અને એમએમઆરમાં ફ્યુલ ડિલીવરી કામકાજ રાબેતા મુજબનું છે તેવું ઓઇલ કંપની અધિકારીઓ અને પેટ્રોલ ડીલરોએ કહ્યું હતું. વહેલી સવારથી ટેન્કરો પંપો પર પહોંચી જાય છે અને રાજ્યભરમાં પેટ્રોલ અથવા ડીઝલનું અછત નથી તેવું તેમણે કહ્યું હતું.
મુંબઇ મેટ્રોપોલિટન રિઝિયનમાં શુક્રવારે પેટ્રોલપંપો પર લાંબી લાઇનો લાગી હતી. મુંબઇ, કલ્યાણ, બદલાપુર, થાણે, કોપરખૈરણે, વાશી અને બેલાપુરમાં વાહન ચાલકોની ભીડ જોવા મળી હતી. પેટ્રોલ સ્ટોરેજની ઓછી ક્ષમવાળા પેટ્રોલપંપોના વેચાણમાં તો ૪૦ ટકા જેટલો જ જથ્થો વધુ વેચાયો હતો. ઘણાં પેટ્રોલપંપોનો જથ્થો નવો પુરવઠો આવે ત્યાં સુધી થોડા કલાક માટે પૂરો થઇ ગયો હતો.
પેટ્રોલ પંપ અને ઓઇલ કંપની વચ્ચેનો આર્થિક અને લોજિસ્ટિક્સ વ્યવહાર સમજવો જરૃરી છે. એક પેટ્રોલ બંબ ૧૨,૦૦૦ લીટર પેટ્રોલ અને ૮૦૦૦ લીટર ડીઝલ મગાવે છે તેવું ઉદાહરણ તરીકે સમજીએ મોટા પેટ્રોલપંપોની આર્થિક અને ઇંધણ સંગ્રહ કરવાની શક્તિ વધુ હોય છે આથી તેમનો ૫૦ ટકા જથ્થો પૂરો થાય કે તરત જ તેઓ નવા જથ્થાનો ઓર્ડર મોકલી આપે છે. આથી તેમનો જથ્થો ખૂટતો નથી. નાના પંપોમાં આર્થિક અને સ્ટોરેજ ક્ષમતા બંને ઓછી હોય છે. વેચાણ અચાનક જ વધી જાય અને સંપૂર્ણ જથ્થો વેચાઇ જાય તો તેમને નવો જથ્થો બીજા દિવસે સવારે જ મળે તેવી સંભાવના ઉભી થતી હોય છે.
પેટ્રોલ ડીલર્સ એસોસિયેશન્સ, હોદ્દેદારો વાહનચાલકોને રઘવાયા નહીં બનવાની વિનંતી કરે છે. એક એસોસિયેશનના પ્રમુખે કહ્યું કે પેનિક ખરીદી થવાથી, એડવાન્સ પેમેન્ટ પદ્ધતિ શરૃ થવાથી અને બેંક રજાઓ એમ ત્રણ પરિબળથી લાઇનો લાગી રહી છે. વાહનચાલકોને જરૃરથી વધારે ઇંધણ નહી ખરીદવાની તેમની અપીલ ચે. જરૃર પૂરતુ પેટ્રોલ ભરાવે તો તેમને બીજા દિવસે મળી જશે તે સ્વાભાવિક છે તેવું તેમનું કહેવું છે. એક નિષ્ણાતે કહ્યું કે અંધણની જરૃર પૂરતો જ ઉપયોગ થવો જોઇએ કારણ કે યુદ્ધની પરિસ્થિતિ કેટલી લાંબી ચાલશે તે અનિશ્ચિત છે. લોકો સોશિયલ મીડિયા પર મેસેજિસ શેર કરી છે જેમાં પેટ્રોલની અછતનો સંદેશ હોય છે. આવા સંદેશાઓ બંધ થવા જોઇએ તેવું તેમણે કહ્યું હતું.


