Get The App

ઈડીનો ડર દેખાડી ધનખડનું રાજીનામું લેવાયાનો રાઉતનો દાવો

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
ઈડીનો ડર દેખાડી ધનખડનું રાજીનામું લેવાયાનો રાઉતનો દાવો 1 - image

રાઉતનાં અનલાઈક્લી પેરેડાઈઝ પુસ્તકમાં દાવો

રાજ્યસભામાં સરકારના ઈશારે વર્તવા ના પાડી દેતાં એક પ્રોપર્ટી ફાઈલ ખોલવામાં આવી હતી

મુંબઈ: તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને ઈડી કાર્યવાહીનો ડર દેખાડી તેમનું તત્ક્ષણ રાજીનામું લઈ લેવાયું હોવાનો દાવો શિવસેના યુબીટીના સાંસદ સંજય રાઉતે તેમના પુસ્તકમાં કર્યો છે. 

રાઉતે પત્રાચાલ રિડેવલપમેન્ટ કેસમાં જેલમાં જવું પડયુું હતું. આ ૧૦૦ દિવસના જેલવાસ દરમિયાન તેમણે  'નરકચા સ્વર્ગ' નામનું મરાઠી પુસ્તક લખ્યું હતું. હવે આ પુસ્તક અંગ્રેજીમાં 'અનલાઈક્લી પેરેડાઈઝ'ના નામે પ્રગટ થઈ રહ્યું છે.  અંગ્રેજી પુસ્તકમાં મૂળ મરાઠી પુસ્તકમાં ન હોય તેવાં કેટલાંક નવાં પ્રકરણો ઉમેરાયાં છે. આ પુસ્તકનું તા. ૨૩મીએ દિલ્હીમાં વિપક્ષી નેતાઓની હાજરીમાં વિમોચન થવાનું છે. 

ઉલ્લેખનીય છે કે રાઉત તાજેતરમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને રુબરુ મળ્યા હતા. રાઉતે આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર પણ કરી હતી અને તેમણે દાવો કર્યો હતો કે પોતે જગદીપ ધનખડ સાથે બહુ અંગત ઘરોબો ધરાવે છે.  રાઉતે પુસ્તકમાં કરેલા દાવા મુજબ ભાજપ સરકાર સામે ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ થવાનો હતો. ધનખડે આ મુદ્દે સરકારની તરફેણમાં કાર્યવાહી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ધનખડની એક પ્રોપર્ટીની ફાઈલ ખોલવામાં આવી હતી. તેમને જણાવાયું હતું કે આ પ્રોપર્ટીમાંથી મળેલાં નાણાં યુએસ મોકલાયાં છે. આ રીતે તેમની સામે ઈડીની કાર્યવાહીનો કેસ બને છે. 

રાઉતે આ પુસ્તકમાં કરેલા દાવા અનુસાર ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર અશોક લવાવાને પણ ઈડીની કાર્યવાહીની ચિમકી અપાઈ હતી. 

રાઉતે આ પુસ્તકમાં એમ પણ જણાવ્યું છે કે ઉજ્જવલ નિકમે ભૂતકાળમાં કોંગ્રેસ સરકારની ઈમેજને બટ્ટો લગાડવા માટે અજમલ કસાબને જેલમાં બિરિયાની અપાઈ હતી તેવું ખોટું નિવેદન કર્યું હતું. તેના ઈનામ રુપે જ તેમને ભાજપ દ્વારા પહેલાં લોકસભાની ટિકિટ અને બાદમાં રાજ્યસભાની સીટ અપાઈ છે.