કાંદાના ઝડપથી ગગડતા જતા ભાવઃ ખેડૂતોનું રસ્તા-રોકો આંદોલન

દેશના સૌથી મોટા કાંદા ઉત્પાદક મથક નાસિકમાં કિસાનો રોષે ભરાયા
નવી મુંબઇ એ.પી.એમ.સી.માં ૧૨થી ૧૬ રૃપિયે કિલો વેંચતા કાંદા
મુંબઇ - કાંદાના ઝડપથી ગગડવા માંડેલા ભાવને લીધે મુશ્કેલીમાં મૂકાયેલા કાંદા ઉત્પાદક ખેડૂતોએ આજે નાસિક જિલ્લામાં રસ્તા-રોકો આંદોલન કરતા વાહન-વ્યવહાર ખોરવાયો હતો.
દેશમાં સૌથી વધુ કાંદાનું ઉત્પાદન નાસિક જિલ્લામાં થાય છે. અત્યારે વિપૂલ પ્રમાણમાં કાંદાનો પાક ઉતર્યો છે તેની સામે માલનો ઉપાડ ન હોવાથી ભાવ ગગડવા માંડયા છે. અધૂરામાં પૂરૃં કેન્દ્ર સરકાર તરફથી મુંબઇ સહિતના શહેરોમાં મોબાઇલ વેનમાં રાહતના દરે કાંદાનું વેચાણ શરૃ કરવામાં આવ્યું છે. એટલે રિટેલમાં ૩૦-૩૫ રૃપિયે કિલો વેંચાતા કાંદા આ વેનમાંથી ૨૪ રૃપિયે કિલોના ભાવે વેંચવામાં આવે છે. ખેડૂતોને કાંદાનો ભાવ મળતો ન હોવાથી એ.પી.એમ.સી. માર્કેટો સુધી પહોંચાડવા માટેનો ટ્રાન્સ્પોર્ટનો ખર્ચ પોસાતો નથી. આમ ખેડૂતોએ આઠ-નવ રૃપિયાના ભાવે કાંદા વેંચવાની નોબત આવી છે. આની સામે કિસાનોએ આજે રસ્તા-રોકો આંદોલન છેડયું હતું.
નાસિક જિલ્લાના યેવલામાં તેમ જ નાસિક- સુરત રોડ ઉપર સેંકડો કિસાનો રસ્તા પર બેસી ગયા હતા અને આ રસ્તા રોકો આંદોલનને કારણે આંતરરાજ્ય વાહન-વ્યવહાર ખોરવાઇ ગયો હતો.
નવી મુંબઇ એ.પી.એમ.સી. માર્કેટના વેપારીએ જણાવ્યું હતું કે અત્યારે હોલસેલમાં સાદી ક્વોલિટીના કાંદા ૧૫ થી ૧૬ રૃપિયે કિલો વેંચાય છે. જ્યારે હલકી ક્વોલિટીના કાંદા ૧૨ રૃપિયે કિલો વેંચાય છે. રિટેલમાં આ કાંદા ૨૫ થી ૩૦ રૃપિયે કિલોના ભાવે વેંચાય છે. ઢગલાબંધ કાંદાની ચાલું રહેલી આવકને કારણે ભાવ હજી નીચા જવાની શક્યતા છે.
નાફેડની કાંદા લઇ જતી ટ્રકો અટકાવવાનો નિર્ધાર
કાંદાના ભાવ નીચા જઇ રહ્યાં છે એવી સ્થિતિમાં સરકાર તરફથી નાફેડ (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન)ના માળ્યાથી ખુલ્લા બજારમાં કાંદાના વેચાણની શરૃઆત કરવામાં આવતા ખેડૂતો રોષે ભરાયા છે. એટલે જ નાફેડના કાંદા ખુલ્લા બજારમાં લઇ જતી ટ્રકોને અટકાવવાનો ખેડૂત સંગઠને નિર્ણય લીધો છે. આજે વડનેરથી આંદોલન છેડવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારે કાંદાના ભાવ સ્થિર રહે એટલા માટે સહકારી સંસ્થાના માધ્યમથી ૩ લાખ ટન રવી કાંદાની ખરીદી કરી હતી. આ કાંદાનું હવે નાફેડ તથા રાષ્ટ્રીય સરકારી ગ્રાહક મહાસંઘના માધ્યમથી મુંબઇ, દિલ્હી, અમદાવાદ જેવા શહેરોમાં ખુલ્લા બજારમાં રાહતના દરે વેચાણ કરવામાં આળી રહ્યું આની સામે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે.









