રણવીર અલ્હાબાદિયા મુંબઈ પોલીસ સાયબર સેલ સમક્ષ હાજર
અશ્લીલ ટિપ્પણી કેસમાં હાજર થયો
ગુવાહાટી ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ પણ સમય રૈનાએ નિવેદન નોંધાવ્યું હતુ
મુંબઈ - પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા અને કોમેડિયન સમય રૈના ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં અશ્લીલતા તથા અભદ્ર સામગ્રીને પ્રોત્સાહન આપવાના કેસમાં મહારાષ્ટ્ર સાયબર સેલ સમક્ષ નિવેદન નોંધાવવા હાજર થયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મહારાષ્ટ ્ર સાયબરે અલ્હાબાદિયા અને રૈના વિરુદ્ધ ત્રણ સમન્સ જારી કર્યા હતા. તેમને મુંબઇમાં તપાસ અધિકારી સામે હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. તે મુજબ તેઓ દક્ષિણ મુંબઇના કફ પરેડ વિસ્તારમાં મહારાષ્ટ્ર સાયબર ઓફિસમાં આવ્યા હતા.
અગાઉ રૈનાએ ગુવાહાટી ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ પણ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. ગુવાહાટીના જોઇન્ટ પોલીસ કમિશનર અંકુર જૈને આની પુષ્ટિ કરી હતી. યુટયુબર આશિષ ચંચાલાની અને અપૂર્વા મખીજા સહિત શો સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ ગુવાહાટી પોલીસમાં પૂછપરછ કરી હતી.
ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં એક સ્પર્ધકને માતા- પિતા વિશે અશ્લીલ સવાલ પૂછવામાં આવ્યા હતા. જેની સોશિયલ મીડિયા પર વ્યાપક ટીકા થઇ હતી. આ મામલામાઅનેક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યા હતા. છેવટે અલ્હાબાદિયાએ જાહેરમાં માફી માગી અને સ્વીકાર્યું કે તેની ટિપ્પણીઓ અયોગ્ય હતી.