સાઇબાબાએ ૧૧૫ વર્ષ પહેલાં ઉજવણીની શરૃઆત કરેલી
3 દિવસના મહોત્સવમાં અખંડ પારાયણ, શોભાયાત્રા, ગુવુવારે આખી રાત મંદિર ખુલ્લું રહેશે
મુંબઇ - શિર્ડી સાઇનગરમાં આજથી ત્રણ દિવસના રામનવમી મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો છે. રાજ્યભરમાંથી અને દેશના જુદા જુદા ભાગોમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામનવમી મહોત્સવમાં ભાગ લેવા માટે ઉમટી રહ્યાં છે.
આજથી શરૃ થયેલો આ મહોત્સવ ૨૭મી માર્ચ સુધી ચાલુ રહેશે. આ ઉત્સવમાં અખંડ પારાયણ, પાલખી શોભાયાત્રા અને વિશેષ પૂજનવિધિનો સમાવેશ થાય છે. આવતી કાલે ગુરુવારે સાઇબાબાનું સમાધી મંદિર આખી રાત દર્શનાર્થે ખુલ્લું રાખવામાં આવશે. આવતી કાલે રામનવમી પ્રસંગે કિર્તન અને સાંજે પાંચ વાગ્યે શોભાયાત્રા કાઢવામાં આવશે.
શિર્ડીના સાઇબાબાએ ૧૯૧૧માં રામનવમી ઉત્સવની ઉજવણીનો પ્રારંભ કરેલો. આમ છેલ્લા ૧૧૫ વર્ષથી આ ઉજવણી ચાલુ રહી છે. ભક્તોના અભૂતપૂર્વ ધસારાને પહોંચી વળવા માટે મંદિર પ્રશાસન તરફથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ સુરક્ષા બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.


