રાજ્ના 75 અધિકારીઓ, નેતાઓને હની ટ્રેપમાં ફસાવાયાના આરોપોથી ચકચાર

વિપક્ષે વિધાનસભામાં પેન ડ્રાઈવ દર્શાવીને તપાસની માંગ કરી
નાસિક, થાણે તથા મુંબઈમાં કારસો રચાયાની ચર્ચાઃ ગોપનીય સરકારી ફાઈલો ઉપરાંત પૈસા પડાવાયાના આરોપો
મુંબઈ - મહારાષ્ટ્રના કેટલાક મંત્રીઓ, નેતાઓ તથા અન્ય અધિકારીઓ મળીને કુલ ૭૫ હસ્તીઓ હની ટ્રેપમાં ફસાયા હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. નાસિકની એક હોટલ ઉપરાંત મુંબઈ તથા થાણેમાં હની ટ્રેપ દ્વારા અધિકારીઓ અને નેતાઓ પાસેથી કેટલીક ફાઈલો હાંસલ કરાઈ છે અને પૈસા પડાવાયા છે તેવાી આરોપો છે. કોંગ્રેસના નેતા નાના પટોળેએ વિધાનસભામાં આ આક્ષેપોનો ઉલ્લેખ કરીએકે પેન ડ્રાઈવ પણ દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે આ મુદ્દે સ્પીકરની સૂચના પછી પણ સરકાર કોઈ સ્પષ્ટતા કરવા તૈયાર નથી. જોકે, ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે કહ્યુું હતું કે આવી તથાકથિત હની ટ્રેપનો કોઈ કેસ નોંધાયો નથી કે કોઈ ફરિયાદ પણ મળી નથી. બીજી તરફ નાયબ સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે સરકારે આ મુદ્દો ગંભીરતાથી લીધો છે.
નાસિક ઉપરાંત થાણે તથા મુંબઈમાં પણ કેટલાક અધિકારીઓ તથા નેતાઓને હની ટ્રેપમાં ફસાવાયા હોવાનું કહેેવાય છે. એક મહિલાએ આ અધિકારીઓ તથા નેતાઓ પાસેથી ગુપ્ત વિગતો મેળવી હોવાનું કહેવાય છે. આ મહિલાએ કેટલીક ફાઈલો હાંસલ કરી લીધી છે. દાવા અનુસાર આ મહિલા મૂળ નાસિકની છે અને તે ભૂતકાળમાં એક રાજકીય પક્ષની હોદ્દેદાર પણ રહી ચૂકી છે. કેટલીક હોટલો તથા અન્ય સ્થળોએ અધિકારીઓ તથા નેતાઓને બોલાવી હની ટ્રેપમાં ફસાવાયા હતા અને તેમને બ્લેકમેઈલ કરવામાં આવ્યા હતા એમ કહેવાય છે.
પટોળેએ જણાવ્યું હતું કે નેતાઓ તથા અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવાતાં રાજ્ય સરકારની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી રાષ્ટ્રવિરોધી તત્વોના હાથમાં જઈ શકે છે, જે રાજ્યની સુરક્ષા માટે મોટો ખતરો બની શકે છે. પટોળેએ કહ્યું હતું કે મારી પાસે પેન ડ્રાઈવ છે, સરકારને જોઈએ તો હું આ પેન ડ્રાઈવ આપવા તૈયાર છું.
તેમણે કહ્યું હતું કે વરિ સરકારી અધિકારીઓ, જેમાં ક્લાસ વન અધિકારીઓ, કાયદા અમલીકરણ અધિકારીઓ અને રાજકારણીઓ હની ટ્રેપનો ભોગ બન્યા છે.
વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આ મુદ્દાની નોંધ લેવા અને સરકારે આ મામલે સ્પષ્ટતા કરવી જોઈએ તેવો નિર્દેશ આપ્યો હતો. જોકે, રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી યોગેશ કદમે આ આરોપોને ફક્ત રાજકીય આક્ષેપબાજી ગણાવીને કહ્યું હતું કે આવી કોઈ ફરિયાદ મળી નથી કે ક્યાંય કોઈ કેસ થયો નથી.
જોકે, વિપક્ષોના ઉહાપોહ બાદ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે સરકારે આ મુદ્દો ગંભીરતાથી લીધો છે અને આ બાબતે તપાસ કરવામાં આવશે. રાજ્યના મહેસૂલ મંત્રી ચન્દ્રશેખર બાવનકુળેએ પણ કહ્યું હતું કે સરકાર આ હની ટ્રેપ કાંડ વિશે ઉચ્ચ સ્તરની તપાસ કરાવશે.
થાણે ક્રાઈમ બ્રાન્ચમાં ૩ ફરિયાદ થયાનો દાવો
આ કથિત હની ટ્રેપ વિશે થાણે ક્રાઈમ બ્રાન્ચને ગુપ્ત રીતે ત્રણ ફરિયાદ મળી હોવાનું કહેવાય છે. પોલીસે ફરિયાદીઓનાં નામ પ્રગટ ન થાય તેની કાળજી રાખીને તપાસ હાથ ધરી છે એમ કહેવાય છે. નાસિકના એક અધિકારી, નવી મુંબઈના એક મહાનુભવ તથા થાણેના એક બિઝનેસમેને આ ફરિયાદ આપી હોવાનું કહેવાય છે. જોકે, આ બાબતે સત્તાવાર રીતે કશું જ જણાવાયું નથી.









