Mumbai

60 કરોડની છેતરપિંડીના કેસમાં રાજ કુન્દ્રાને મુંબઈ પોલીસ દ્વારા સમન્સ

By GS TEAM
10 Sep 20252 mins read
60 કરોડની છેતરપિંડીના કેસમાં રાજ કુન્દ્રાને મુંબઈ પોલીસ દ્વારા સમન્સ

15 સપ્ટે.એ આર્થિક ગુના શાખામાં હાજર થવા તેડું 

શિલ્પા શેટ્ટી અને પતિ કુન્દ્રા વિદેશ ન જાય તે માટે  અગાઉ લુક આઉટ સર્ક્યુલર પણ જારી થઈ ચૂક્યો છે

મુંબઇ -  બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાને મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા રૃા. ૬૦ કરોડની છેતરપિંડી કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.

લોનની રકમ ડાયવર્ટ કરવાના આરોપી કુન્દ્રાને ૧૫ સપ્ટેમ્બરે સ્વાર્ધિક ગુના શાખા સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.

ગયા અઠવાડિયે કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી વિરુદ્ધ આર્થિક ગુના શાખાએ લુક આઉટ સર્ક્યુલર જારી કર્યો હતો. જેથી વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસો કરતા આ દંપતીને દેશ છોડતા અટકાવવા આ કાર્યવાહી કરાઇ હોવાનું કહેવાય છે. એજન્સીએ કુન્દ્રાને તેનું નિવેદન નોંધાવવા માટે સમન્સ પાઠવ્યું છે, એમ અધિકારીએ કહ્યું હતું.

જૂહુ પોલીસ સ્ટેશનમાં ૧૪ ઓગસ્ટના અભિનેત્રીએ તેના પતિ વિરુદ્ધ ઉદ્યોગપતિ દિપક કોઠારી (ઉં.વ. ૬૦) લોન-કમ-રોકાણમાં લગભગ રૃા. ૬૦ કરોડની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.

કોઠારી નોન- બેંકિગ ફાઇનાન્સિયલ કંપની લોટસ કેપિટલ ફાઇનાન્સ સર્વિસીસના ડિરેક્ટર છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રાજેશ આર્ય નામના વ્યક્તિ દ્વારા રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીના સંપર્કમાં આવ્યા હતા.  કુન્દ્રા અને શેટ્ટી બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડ, એક હોલ શોપિંગ અને ઓનલાઇન રિટેલ પ્લેટફોર્મના ડિરેક્ટર હતા. બંને આ આર્ય દ્વારા કોઠારી પાસેથી રૃા. ૭૫ કરોડની લોન માંગી હતી. કોઠારીએ દાવો કર્યો હતો કે કરવેરાથી બચવા માટે આ લોનની રોકાણ તરીકે બતાવવાની હ તી. 

ફરિયાદમાં જણાવાયું છે કે દંપતીઓ તેમને માસિક વળતર અને મુદ્દલની ચૂકવણીનું વચન આપ્યું હતું. આમ કોઠારીએ એપ્રિલ ૨૦૧૫માં શેર સબસ્ક્રિશન કરાર હેઠળ રૃા. ૩૧.૯ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ સપ્ટેમ્બર, ૨૦૧૫માં પૂરક કરાર હેઠળ રૃા. ૨૮.૫૩ કરોડ આપ્યા હતા.  પરંતુ લોન માટે વ્યક્તિગત ગેરંટી આપનાર શિલ્પા શેટ્ટીએ સપ્ટેમ્બર ૨૦૧૬માં ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું કોઠારીએ પાછળથી ખબર પડી કે તેમની કંપની સામે અન્ય એક કરારમાં ડિફોલ્ટ થવા બદલ નાદારીની કાર્યવાહી ચાલી રહી છે.

કોઠારીએ વ્યવસાય માટે લોન આપી હતી. પણ દંપત્તીએ આ રકમનો વ્યક્તિગત ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે. આ કેસમાં પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.