Mumbai

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે 60 કરોડની છેતરપિંડીનો આરોપ

By GS TEAM
15 Aug 20252 mins read
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે 60 કરોડની છેતરપિંડીનો આરોપ

- શિલ્પા-રાજ ફરી સાણસામાં :આર્થિક ગુના શાખાએ તપાસ શરુ કરી

- હવે બંધ પડેલી બેસ્ટ ડીલ ટીવી કંપનીમાં રોકાણના નામે પૈસા મેળવ્યા બાદ અંગત કામે વાપર્યાનો બિઝનેસમેનનો આરોપ

- શિલ્પાએ કંપનીને લગતાં જૂના ટ્રાન્ઝેકશનની સિવિલ મેટર હોવાનું ગણાવી  આરોપો પાયાવિહોણા ગણાવ્યા

મુંબઈ : અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રા વિરુદ્ધ તેમની હવે બંધ થયેલી કંપની બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડમાં લોન-કમ-રોકાણ સોદામાં એક બિઝનેસમેન સાથે  રૂ.૬૦ કરોડની છેતરપિંડી કરવાનો કેસ  મુંબઈ પોલીસે નોંધ્યો છે, એમ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.

જોકે શેટ્ટી અને ઉદ્યોગપતિ કુન્દ્રાનું પ્રતિનિધિત્વ કરતા વકીલે આરોપોને નકારી કાઢયા હતા અને કહ્યું હતું કે આ એક પાયાવિહોણો અને દુર્ભાવનાપૂર્ણ કેસ છે. જેનો હેતુ તેમના અસીલોને બદનામ કરવાનો છે.આ  ખોટા આક્ષેપો ઉપજાવી કાઢનારા સામે યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું હતું કે આ કેસ એક સિવિલ મેટર છે અને તેમાં કોઈ ગુનાઇત કૃત્ય આચરવામાં આવ્યું નથી. 

જુહુ સ્થિત ઉદ્યોગપતિ દીપક કોઠારી (ઉં.વ.૬૦) લોટસ કેપિટલ ફાઇનાન્સ સવસીસ (નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની) ના ડિરેક્ટર છે.તેમણે પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે તેઓ રાજેશ આર્ય દ્વારા રાજ કુન્દ્રા અને તેમની અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટીના સંપર્કમાં આવ્યા હતા,એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

કુન્દ્રા અને શેટ્ટી તે સમયે બેસ્ટ ડીલ ટીવી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર હતા, જે એક હોમ શોપિંગ અને ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ છે. ફરિયાદ મુજબ રાજેશ આર્ય દ્વારા બંનેએ રૂ.૭૫ કરોડની લોન માંગી હતી.પરંતુ વધુ કરવેરાથી બચવા માટે તેમણે તેને રોકાણ તરીકે દર્શાવ્યું હતું.

અધિકારીએ જણાવ્યું હતું કે, બંનેએ માસિક લોન પરત કરવાનું અને મૂળ રકમ ચૂકવવાનું પણ વચન આપ્યું હતું.

એફઆઈઆર મુજબ ફરિયાદીએ દાવો કર્યો હતો કે તેણે એપ્રિલ ૨૦૧૫માં શેર સબસ્ક્રિપ્શન કરાર હેઠળ રૂ.૩૧.૯  કરોડ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૧૫માં પૂરક કરાર હેઠળ બીજા રૂ.૨૮.૫૩ કરોડ ટ્રાન્સફર કર્યા હતા.

ફરિયાદીના જણાવ્યા મુજબ, તેમણે ૨૦૧૫થી ૨૦૨૩ના સમયગાળા દરમિયાન વ્યવસાય વિસ્તરણ માટે ૬૦.૪ કરોડ રૂપિયાની લોન આપી હતી.