મની ટ્રેઈલની ખૂટતી કડીઓ જોડવા પોલીસની તપાસ
રાજ કુન્દ્રા સાથે બિઝનેસ ડિલિંગ કરનારી કંપનીઓની એને બાદમાં જરુર પડે તો ફરી રાજની પણ પૂછપરછ થશે
મુંબઈ - 60 કરોડ રૃપિયાના છેતરપિંડીના કેસમાં બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના ઉદ્યોગપતિ પતિ રાજ કુન્દ્રા સામે તપાસનો દોર ચાલુ છે. મુંબઈ પોલીસની આથક ગુના શાખા તેમની કંપની બેસ્ટ ડીલ પ્રાઇવેટ લિમિટેડના ચાર કર્મચારીઓની ભંડોળના કથિત દુરુપયોગને શોધવા માટે પૂછપરછ કરવામાં આવશે. આ પૂછપરછનો હેતુ ખર્ચના દાવાઓની ચકાસણી કરવાનો અને નાણાંનું પગેરું સમજવાનો છે.તેમજ કદાચ કુન્દ્રાની પણ વધુ પૂછપરછ થઈ શકે છે. ૬૦
મુંબઈ પોલીસની આથક ગુના શાખાએ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની માલિકીની કંપની બેસ્ટ ડીલ પ્રાઇવેટ લિમિટેડના ચાર કર્મચારીઓને સમન્સ જારી કર્યા છે. આ કંપની પોલીસ કેસના કેન્દ્રમાં છે. શિલ્પા અને રાજ પર ઉદ્યોગપતિ દીપક કોઠારી સાથે લોન-કમ-રોકાણ સોદામાં લગભગ રૃ.૬૦ કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચાર કર્મચારીઓમાંથી એકે આથક ગુના શાખા સમક્ષ પોતાનું નિવેદન નોંધાવી દીધું છે અને જરૃર પડયે તેમને ફરીથી બોલાવવામાં આવી શકે છે. બાકીના ત્રણ કર્મચારીઓ ટૂંક સમયમાં પૂછપરછ માટે હાજર થાય તેવી અપેક્ષા છે. આ બધા તે સમયે કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર હતા.
આ કર્મચારીઓની પૂછપરછ કરવાનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે.તેમજ કંપનીના નાણાકીય દાવાઓ તપાસવાનો હોવાનું કહેવાય છે.આથક ગુના શાખા રાજ કુન્દ્રાના નિવેદનની ચકાસણી કરી રહી છે કે ઓફિસના ફનચર પર ૨૦ કરોડ રૃપિયા ખર્ચવામાં આવ્યા હતા. અધિકારીઓ એ પણ જાણવા માંગે છે કે સ્ટાફને કેવી રીતે ચૂકવણી કરવામાં આવી હતી.શું તેમનો પગાર કંપનીની કમાણીમાંથી આવ્યો કે અન્ય અજાણ્યા ોતોમાંથી એની પણ તપાસ થઈ રહી છે.
પોલીસ મની ટ્રેઈલની ખૂટતી કડીઓ જોડવા પ્રયાસ કરી રહી છે. શું બેસ્ટ ડીલ પ્રાઇવેટ લિમિટેડ પાસે રોકાણના નામે આટલી મોટી લોન લેવાને યોગ્ય ઠેરવવા માટે પૂરતા વાસ્તવિક વ્યવસાયિક ઓર્ડર હતા તેની તપાસ થઈ રહી છે.
રિપોર્ટ અનુસાર, આથક ગુના શાખા ટૂંક સમયમાં ઉત્પાદન સપ્લાયર્સ અને કુન્દ્રાના વ્યવસાય માટે જાહેરાત આપતી કંપનીઓની પૂછપરછ કરશે.તેમના નિવેદનો નોંધાયા પછી, જો પોલીસને કોઈ વિસંગતતા જણાશે તો પોલીસ રાજ કુન્દ્રાને વધુ પૂછપરછ માટે ફરીથી બોલાવી શકે છે.
ઓક્ટોબરની શરૃઆતમાં પૂછપરછ દરમિયાન, રાજ કુન્દ્રાએ અધિકારીઓને જણાવ્યું હતું કે ૨૦૧૬માં નોટબંધી પછી ઇલેક્ટ્રિકલ અને ઘરગથ્થુ ઉપકરણોનો વેપાર કરતી તેમની કંપનીને ભારે નુકસાન થયું હતું. તેમણે દાવો કર્યો હતો કે નાણાકીય કટોકટીને કારણે, કંપની ઉધાર લીધેલા ભંડોળની ચુકવણી કરી શકી નથી. ૧૪ ઓગસ્ટના રોજ કુન્દ્રા અને શેટ્ટી વિરુદ્ધ જુહુ પોલીસ સ્ટેશનમાં ઉદ્યોગપતિ દીપક કોઠારી (ઉ.વ.૬૦) સાથે લોન-કમ-રોકાણ સોદામાં લગભગ ૬૦ કરોડ રૃપિયાની છેતરપિંડી કરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.કોઠારી લોટસ કેપિટલ ફાઇનાન્સ સવસીસ નામની નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી ) ના ડિરેક્ટર છે.
આથક ગુના શાખાએ અગાઉ તેની તપાસના ભાગ રૃપે કુન્દ્રાનું નિવેદન નોંધ્યું હતું .અભિનેત્રી અને તેના પતિ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કર્યું હતું. આ કેસના સંદર્ભમાં આથક ગુના શાખા દ્વારા કુન્દ્રા (ઉ.વ.૫૦)ની પાંચ કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી.મીડિયાની નજરથી બચવા માટે તેમનું નિવેદન કોઈ ગુપ્ત સ્થળે નોંધવામાં આવ્યું હતું.
ફરિયાદીના જણાવ્યા મુજબ તે રાજેશ આર્ય દ્વારા કુન્દ્રા અને તેની અભિનેત્રી પત્નીના સંપર્કમાં આવ્યો હતો.દંપતીએ આર્ય દ્વારા રૃ.૭૫ કરોડની લોન માંગી હતી, પરંતુ ઊંચા કરવેરાથી બચવા માટે તેને રોકાણ તરીકે દર્શાવ્યું હતું.બનેએ માસિક રિટર્ન અને મૂળ રકમ ચૂકવવાનું પણ વચન આપ્યું હતું. એફઆઈઆર મુજબ ફરિયાદીએ દાવો કર્યો હતો કે તેણે એપ્રિલ ૨૦૧૫માં શેર સબસ્ક્રિપ્શન કરાર હેઠળ રૃ.૩૧.૯ કરોડ ટ્રાન્સફર કર્યા હતા.ત્યારબાદ સપ્ટેમ્બર ૨૦૧૫માં પૂરક કરાર હેઠળ બીજા રૃ.૨૮.૫૩ કરોડની ચુકવણી કરી હતી., કોઠારીને પાછળથી જાણવા મળ્યું કે ૨૦૧૭માં કંપની સામે બીજા કરારમાં ડિફોલ્ટ થવા બદલ નાદારીની કાર્યવાહી ચાલી રહી હતી. કોઠારીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે તેમણે વ્યવસાય માટે લોન આપી હતી.પરંતુ આરોપીઓ દ્વારા આ પૈસાનો કથિત રીતે અંગત ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે, રાજ અને શિલ્પા દ્વારા આ તમામ આરોપી નકારાઈ ચૂક્યા છે.


