આકાશ સ્વચ્છ થઈ રહ્યાની સેટેલાઈટ ઈમેજીસ
હજુ બે દિવસ ગાજવીજ સાથે હળવી વર્ષાનો સંકેત
મુંબઇ - મુંબઇગરાંને સાતમી નવેમ્બર બાદ મેઘગર્જના, વીજળીના ચમકારા, પવનના સૂસવાટા સાથે વરસાદી માહોલમાંથી રાહત મળે તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે.
હવામાન વિભાગે એવો સાનુકુળ સંકેત આપ્યો કે આજે ઇસરોના સેટેલાઇટ ઇન્સેટ - ૩ ડીએસ દ્વારા મળેલી ઇમેજીસ(સાંજેના ૪ - ૪ઃ૨૭) અભ્યાસ દ્વારા એવી માહિતી મળે છે ક ે મુંબઇનું ગગન લગભગ સ્વચ્છ બની રહ્યું છે. અરબી સમુદ્રના પૂર્વ -મધ્ય હિસ્સામાં સર્જાયેલા ડિપ્રેશનની અસર ઓસરી રહી છે. એટલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘણું ઘટી રહ્યું છે. આમ છતાં હજી એક -બે દિવસ હળવી વર્ષા થવાની શક્યતા ખરી.
હવામાન વિભાગે જોકે એવો વરતારો પણ આપ્યો છે કે હજી આવતા બે દિવસ( ૫ --૬ - નવેમ્બર) દરમિયાન મુંબઇ સહિત મહારાષ્ટ્રના મોટાભાગમાં મેઘગર્જના, વીજળીના કડાકા, તીવ્ર પવન સાથે હળવી વર્ષા થાય તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે. જોકે આ બધાં કુદરતી પરિબળોની અસર સાત નવેમ્બર બાદ ઘણા અંશે ઓછી થઇ જાય તેવી શક્યતા છે. એટલે સાત નવેમ્બર બાદ મુંબઇનું ગગન સ્વચ્છ રહે અને વરસાદી માહોલ ન સર્જાય તેવાં સાનુકુળ પરિબળો પણ છે.
હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)નાં ડાયરેેક્ટર શુભાંગી ભૂતેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે હાલ અરબી સમુદ્રના ઉત્તર - પૂર્વ (ઇશાન) હિસ્સા ઉપર અને નજીકના સૌરાષ્ટ્રના આકાશમાં ૧.૫ કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે. સાથોસાથ, હાલ પવનો પણ પશ્ચિમ - ઉત્તર - પશ્ચિમ દિશા(વાયવ્ય) માંથી ફૂંકાઇ રહ્યા છે.
આવાં પ્રાકૃતિક પરિબળોની તીવ્ર અસરથી કોંકણ(મુંબઇ,થાણે,પાલઘર, રત્નાગિરિ, સિંધુદુર્ગ), મધ્ય મહારાષ્ટ્ર(ધુળે, નંદુરબાર,જળગાંવ, નાશિક (ઘાટ), પુણે (ઘાટ), કોલ્હાપુર(ઘાટ), સાતારા(ઘાટ), સાંગલી, સોલાપુર, અહિલ્યાનગર) , મરાઠવાડા(છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, બીડ, હિંગોળી, લાતુર, ધારાશિવ) માં ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ સર્જાય તેવી સંભાવના છે.


